આસામમાં 89 વર્ષ જૂનો મુસ્લિમ મેરેજ એન્ડ ડિવોર્સ એક્ટ નાબૂદ
UCC લાગુ કરવાની દિશામાં પ્રથમ પગલું
આસામ સરકારે એક મહત્વના પગલાં તરીકે આસામમાં 89 વર્ષ જૂના મુસ્લિમ મેરેજ એન્ડ ડિવોર્સ એક્ટ ને રદ કરી નાખ્યો હતો.આસામ સરકારના આ નિર્ણયને રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની દિશામાં પ્રથમ પગલું હોવાનું માનવામાં આવે છે.
આ કાયદા હેઠળ કાયદેસરની લગ્નની ઉમરે ન પહોંચેલા મુસ્લિમ છોકરા છોકરીઓ લગ્નની સ્વૈચ્છિક નોંધણી કરાવી શકતા હતા. હવે એ કાયદો રદ થતાં બાળ લગ્નના દૂષણ ઉપર અંકુશ આવશે.
શુક્રવારે મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી.
બાદમાં રાજ્યના પર્યટન મંત્રી જયંત બરુઆએ કહ્યું કે હ હવે જિલ્લા કમિશનર અને જિલ્લા રજીસ્ટ્રારને મુસ્લિમ લગ્ન અને છૂટાછેડા રજીસ્ટ્રેશનના મુદ્દે સત્તા રહેશે. તેમણે કહ્યું હતું કે મુસ્લિમ મેરેજ એન્ડ ડિવોર્સ એક્ટ હેઠળ કામ કરતા 94 મુસ્લિમ રજિસ્ટ્રારને પણ ફરજમુક્ત કરવામાં આવ્યા છે,આજીવિકાના વળતર પેટે એ તમામને 2 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા આ અગાઉ પણ રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાનો નિર્ધાર વ્યક્ત કરી ચૂક્યા છે અને આ કાયદો રદ કરવાનો નિર્ણય એ દિશામાં મહત્વનું પગલું છે.