કોહલી-ગંભીર વચ્ચે ‘અબોલા’ ! રોહિત-અગરકર વચ્ચે ‘અંટશ’ : 2027 વર્લ્ડકપ પહેલાં ટીમ ઈન્ડિયા માટે અશુભ સંકેત
ભારતીય ક્રિકેટ ટીમના ડ્રેસિંગ રૂમનું વાતાવરણ બગડ્યાનું છેલ્લા ઘણા સમયથી ચર્ચાઈ રહ્યું છે. એકંદરે માહોલ સાવ બગડી જ ગયો છે તેમ કહેવામાં પણ અત્યારે કોઈ અતિશ્યોક્તિ નથી. મેદાન ઉપર વસ્તુ જેટલી સરળ દેખાઈ રહી છે અસલમાં સ્થિતિ તેનાથી ખૂબ જ વિપરિત છે. સીનિયર ખેલાડીઓ અને હેડ કોચ વચ્ચેની અંટશે બીસીસીઆઈ માટે માથાના દુઃખાવા જેવું કામ કર્યું છે. હવે એક વાત એવી સામે આવી છે કે ગંભીર-કોહલી અને રોહિત-અગરકર વચ્ચે સંબંધમાં ખટાશ આવી ગઈ છે.
અહેવાલ પ્રમાણે હેડ કોચ ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી વચ્ચે વાતચીત લગભગ બંધ થઈ ગઈ છે. બન્ને વચ્ચે માત્ર ત્યારે જ વાતચીત થાય છે જ્યારે બહુ જરૂર હોય. આવું જ કંઈક રોહિત શર્મા સાથે પણ થઈ રહ્યું છે. કોહલી-રોહિતે અચાનક ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ જાહેર કર્યો એટલે ગંભીર સાથે બન્નેના સંબંધ બગડ્યાનું સાફ દેખાવા લાગ્યું હતું. ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ વન-ડે શ્રેણી દરમિયાન રોહિત અને મુખ્ય પસંદગીકાર અજીત અગરકર વચ્ચે પણ સારા સંબંધ ન્હોતા.
જે પ્રકારે ડ્રેસિંગ રૂમની અંદર હાસ્યના ફુવારા ઉડતા હતા એવું હવે બિલકુલ રહ્યું નથી. 2027 વન-ડે વર્લ્ડકપ પહેલાં ટીમ ઈન્ડિયા માટે આ બિલકુલ સારા સંકેત નથી.
ક્રિકેટ બોર્ડે બોલાવી ઈમરજન્સી બેઠક
આફ્રિકા સામે ભારતે પહેલી વન-ડે મેચ જીતી લીધા બાદ આવતીકાલે બુધવારે બીસીસીઆઈએ હેડ કોચ ગૌતમ ગંભીર, મુખ્ય પસંદગીકાર અજીત અગરકર સહિતના અધિકારીઓની બેઠક બોલાવી છે. આ બેઠક એવા સમયે મળી રહી છે જ્યારે કોહલી અને રોહિતના ભવિષ્યને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. જો કે બન્ને પાછલી અમુક મેચથી શાનદાર પ્રદર્શન પણ કરી રહ્યા છે. આ બેઠકમાં પસંદગીની નિરંતરતા, લાંબા ગાળાની ચર્ચા તેમજ ટીમના પ્રદર્શન અંગે પણ ચર્ચા થશે.
જીત બાદ કોહલીએ ગંભીરને જોઈને રસ્તો જ બદલી નાખ્યો !
રવિવારે આફ્રિકા સામે વન-ડે મુકાબલો જીત્યા બાદ એક વિચિત્ર ઘટના બની હતી. વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કોહલી પોતાના ફોનમાં વ્યસ્ત જોવા મળી રહ્યો છે. આમ કરીને તે મુખ્ય કોચ ગૌતમ ગંભીરને નજરઅંદાજ કરી રહ્યો હોવાનો દાવો કરાઈ રહ્યો છે. આવું ત્યારે બન્યું જ્યારે ટીમના ખેલાડી જીત મેળવ્યા બાદ ડ્રેસિંગ રૂમમાં જઈ રહ્યા હતા. કોહલી ડ્રેસિંગ રૂમ તરફ જઈ રહ્યો હતો પરંતુ ત્યાં ગંભીર બેઠો હોવાથી કોહલીએ રસ્તો જ બદલી નાખ્યો હતો.
