દિલ્હીમાં AAPનો પરાજય : શરાબ ગોટાળાથી લઈને શિશ મહેલ સુધીના ભ્રષ્ટાચાર મામલે પ્રજાએ કેજરીવાલને જાકારો આપ્યો
દિલ્હીમાં સતત દસ વર્ષ સુધી એકચક્રી શાસન ચલાવનાર આમ આદમી પાર્ટી અને કેજરીવાલને દિલ્હીની પ્રજાએ જાકારો આપ્યો છે. રાજકારણમાં ભ્રષ્ટાચારને નાબૂદ કરી અને શુદ્ધિકરણનો દાવો કરનાર કેજરીવાલ અને તેની પાર્ટી ખુદ ભ્રષ્ટાચાર ના આરોપોમાં ઘેરાઈ ગયા હતા. ચૂંટણી પ્રચાર દરમિયાન શરાબ ગોટાળા થી માંડી અને શીશમહેલ સુધીના મુદ્દા કેન્દ્ર સ્થાને રહ્યા હતા. અપૂર્ણ વચનો અને કલંકિત થયેલી પ્રતિષ્ઠાને કારણે આમ આદમી પાર્ટીનું પતન થયું હતું.
2015 ની ચૂંટણીમાં 70 માંથી 67 અને 2020 ની ચૂંટણીમાં 70 માંથી 62 બેઠક મેળવનાર આમ આદમી પાર્ટી આ વખતે ફકત 23 બેઠકો મેળવી શકી તેના માટે વિશ્લેષકો દસ વર્ષના શાસન સામેની લહેર ઉપરાંત ભ્રષ્ટાચારને કારણભૂત માને છે.આમ આદમી પાર્ટી એ દિલ્હીમાં આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બજાવી હતી. વીજળી અને પાણી પરની સબસીડીને કારણે ગરીબ અને મધ્યમ વર્ગમાં આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા ચરમ સીમા પર પહોંચી હતી. લોકસભામા દિલ્હીની તમામ સાત બેઠકો મેળવનાર ભારતીય જનતા પક્ષનો વિધાનસભાની ચૂંટણીમાં કારમાં પરાજય થયો હતો.

બીજી તરફ કેન્દ્ર સરકાર સાથેના સતત ઘર્ષણને કારણે વિકાસ કાર્યો મંદ પડ્યા હતા. કેન્દ્રની ભાજપ સરકાર ઇરાદાપૂર્વક દિલ્હીના વિકાસમાં વિઘ્ન સર્જતા હોવાનો કેજરીવાલે આક્ષેપ કર્યો હતો.બીજી તરફ દિલ્હીની લીકર પોલિસીમાં થયેલા કથિત ભ્રષ્ટાચારનો મુદ્દો
હાવી થવા લાગ્યો હતો. એક હતી કૌભાંડ બદલ અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા તથા સંજય સિંહ અને સત્યેન્દ્ર જૈન જેવા દિગ્ગજ નેતાઓને જેલમાં ધકેલી દેવાયા હતા. ભારતીય જનતા પક્ષે કેજરીવાલના સતાવાર નિવાસસ્થાનને શિશ મહેલ નામ આપ્યું હતું. ટાંકણે જ કેગનો રિપોર્ટ જાહેર થયો હતો જેમાં એ નિવાસસ્થાનના રીનોવેશન માટે 7.91 કરોડનો ખર્ચ કર્યા હોવાનું જણાવવામાં આવ્યું હતું.
રહેતા રહેતા એ આંકડો 33.26 કરોડ સુધી પહોંચ્યો હતો. ભારતીય જનતા પક્ષે આ મુદ્દો જોરશોરથી ચગાવ્યો હતો.
એ ઉપરાંત દિલ્હીમાં પ્રદૂષણનો મુદ્દો પણ કેન્દ્રસ્થાને હતો. પ્રદૂષણને કાબુમાં રાખવાની આમ આદમી પાર્ટીની નિષ્ફળતા લોકોને ખટકતી હતી. યમુનાના પ્રદૂષણના મુદ્દે કેજરીવાલના બચાવ સામે ભાજપે આક્રમક પ્રચાર કર્યો હતો.21 માર્ચ 2024 ના રોજ અરવિંદ કેજરીવાલ ની ધરપકડ કરવામાં આવી હતી. 29 સપ્ટેમ્બરે તેમણે રાજીનામું આપી દીધું હતું અને આતીશી મુખ્યમંત્રી બન્યા હતા. ચૂંટણી પૂર્વે આમ આદમી પાર્ટીના કેટલાક દિગજ નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા હતા. મતદાનના પાંચ દિવસ પૂર્વે આમ આદમી પાર્ટી તરફથી ટિકિટ ન મેળવી શકનાર સાત ધારાસભ્યો રાજીનામું આપી ભાજપમાં જોડાઈ ગયા હતા.
આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે મતભેદો સર્જાતા ઇન્ડિયા ગઠબંધન વિસર્જનના આરે પહોંચી ગયું હતું. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, અખિલેશ યાદવ તેમ જ તેજસ્વી યાદવે આમ આદમી પાર્ટીને ટેકો જાહેર કર્યો હતો. દિલ્હીના પરિણામોએ ફરી એક વખત સાબિત કર્યું છે કે કોઈ નેતા કે પક્ષ સદાકાળ અજેય નથી. દિલ્હીમાં આમ આદમી પાર્ટીને કોઈ હરાવી જ ન શકે તેવા મદમાં રાચતા અરવિંદ કેજરીવાલ અને તેમની પાર્ટીને પ્રજાએ ધૂળ ચાટતી કરી દીધી હતી.