કેજરીવાલની ધરપકડના વિરોધમાં ‘આપ’ નેતાઓના પ્રતિક ઉપવાસ
આમ આદમી પાર્ટીને કચડી નાખવાનો ભાજપનો મનસૂબો કામયાબ થયો નહિ: ઇસુદાન ગઢવી
આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલજીની ધરપકડના વિરોધમાં આજે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીની અધ્યક્ષતામાં પ્રતિક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઈસુદાનભાઈ ગઢવીની સાથે સાથે પ્રદેશ મહામંત્રી સાગરભાઇ રબારી, પ્રદેશ મંત્રી અજીતભાઈ લોખિલ, કાર્યકારી પ્રમુખ કૈલાશદાન ગઢવી, માલધારી સેલના પ્રદેશ પ્રમુખ કિરણભાઈ દેસાઈ, હોસ્પિટલ કેર કમિટીના પ્રદેશ પ્રમુખ વિનોદભાઈ પરમાર, એજ્યુકેશન સેલના પ્રદેશ પ્રમુખ જીતેન્દ્રભાઈ ઉપાધ્યાય, ઉત્તર ગુજરાત સંગઠન મંત્રી જયદીપભાઈ ચૌહાણ, પ્રદેશ ઉપપ્રમુખ રાજલબેન ગઢવી, રાજકોટથી જિલ્લા પ્રમુખ તેજસભાઈ ગાજીપરા, મહિલા વિંગના રાજકોટ શહેર મહિલા પ્રમુખ શીતલબેન ગોહેલ, સોનલબેન સાવલિયા, અર્જુનસિંહ વાળા, જિલ્લા ઉપપ્રમુખ પ્રશાંતભાઈ પટેલ, રવિન્દ્રભાઈ છાયાણી, પંકજભાઈ ચાવડા, વિશાલભાઈ સાકરીયા, અશ્વિન પટેલ, ભુપતભાઈ આહીર, રવિભાઈ નિમાવત, હનીફ ભાઈ બેલીમ અમરેલીથી જિલ્લા પ્રમુખ નિકુંજ સાવલિયા
લોકસભા પ્રભારી કાંતિભાઈ સતાસિયા, રાહુલ હરખાણી, પુનિત મોરઝરીયા, લાલજીભાઈ ચોવટીયા, જે કે સોહલીયા સહિત સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓમાં જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પણ પ્રતિક ઉપવાસમાં જોડાયા હતા.
આ પ્રતિક ઉપવાસ દરમિયાન ઇસુદાનભાઈ ગઢવીએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલથી ડરીને નરેન્દ્ર મોદી અને ભાજપે ષડયંત્ર રચીને વિચાર્યું હશે કે આમ આદમી પાર્ટીના મોટા નેતાઓને જેલમાં નાખીને આમ આદમી પાર્ટીને તોડી નાખીએ, પરંતુ આજે તેમના મનસુબા ઉપર પાણી ફરી વળ્યું છે. આજે અરવિંદ કેજરીવાલજીના જેલમાં જવાથી તેઓ રાષ્ટ્રીય નેતા બની ગયા છે અને સમગ્ર વિશ્વમાં તેમની નોંધ લેવાઇ છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે, ભાજપે પણ અરવિંદ કેજરીવાલને જેલમાં નાખીને એક મોટી ભૂલ કરી છે. આનો જવાબ દેશની જનતા આપશે. ભરૂચ અને ભાવનગર લોકસભામાં અમે ડોર ટુ ડોર કેમ્પેઇન દ્વારા લાખો લોકોના ઘરે જઈશું. આ દરમિયાન અમે બે-બે લાખ પત્રિકાઓ ઘરે ઘરે જઈને લોકોને આપીશું. આ તમામ કાર્યક્રમોથી આમ આદમી પાર્ટીના અને કોંગ્રેસના ઇન્ડિયા ગઠબંધનને ખૂબ જ ફાયદો થશે.