ઉપલેટા-ધોરાજી પંથકમાં ભારે વરસાદથી 8 મકાનને નુકસાન: સાવંત્રા ગામે ગૌશાળાની દીવાલ ધરાશાઈ થઈ
રાજકોટના કાગદડી ગામે પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઇ જતાં એક યુવાનનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. વાડીમાં વિસ્તારમાં કોઝ-વે નજીક પાણીના વહેણમાં તણાઇ ગયેલા યુવાનનો બુધવારે મૃતદેહ મળતા તંત્રને જાણ કરવામાં આવી હતી. તો બીજી તરફ ઉપલેટા-ધોરાજી પંથકમાં 10 ઇંચ થી વધુ વરસાદ વરસતા તારાજીના દ્રશ્યો સર્જાયા હતા. ભારે વરસાદને કારણે ઉપલેટા પંથકમાં 5 જ્યારે ધોરાજી પંથકમાં 3 મકાનને નુકસાન થયું હતું.
રાજકોટ તાલુકાના કાગદડી ગામે મંગળવારે પાણીના પ્રવાહમાં તણાઇ જતાં પરપ્રાંતીય યુવાનનું મૃત્યુ હતું. જિલ્લા પંચાયતમાં કાર્યરત ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાંથી જાણવા મળતી વિગતો પ્રમાણે મંગળવારે સાંજે કાગદડી ગામે કોઝ-વે નજીકથી વસના ડામોર (ઉ.વ.30, મધ્યપ્રદેશ)નામનો યુવાન પાણીના ધસમસતા વહેણમાં તણાઇ ગયો હતો. જેનો મૃતદેહ મળતા તંત્રને જાણ કરવામાં આવી હતી. તો બીજી તરફ ઉપલેટા પંથકમાં ભારે વરસાદને કારણે કેટલાક ગામોમાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. 10 ઇંચ જેટલા વરસાદને કારણે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા હતા. જે અંગે સર્વેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.
જિલ્લા પંચાયતના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાંથી જાણવા મળતી વિગતો પ્રમાણે ઉપલેટાના વાડલામાં ભારે વરસાદને કારણે એક કાચા મકાનની છત પડી ગઈ હતી. તો બીજી તરફ ખાખી જાળિયા ગામે એક મકાનની દીવાલને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત છત્રાસા ગામે પણ ત્રણ કાચા મકાનને નુકસાન થયું હતું. તો વળી સાવંત્રા ગામે ગૌશાળાની દીવાલ ધરાશાઈ હતી.
આ ઉપરાંત ધોરાજીના સુપેડી ગામે પણ ભારે વરસાદથી ત્રણ મકાનોને નુકશાન પહોંચ્યું હતું. મહત્વનું છે કે, ઉપલેટા-ધોરાજીના કેટલાક ગામોમાં ભારે વરસાદને કારણે નદી-નાળાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી. જેના કારણે નદીઓના પાણી ગામમાં ઘૂસી ગયા હતા. ઉપલેટાના ડુમીયાણીમાં ભારે વરસાદથી વોંકળાની દીવાલમાં બે જગ્યાએ ગાબડાં પણ પડ્યા હતા.