કાશ્મીર મુદ્દે ઈરાનનો ટેકો મેળવવાના પાકિસ્તાનના પ્રયાસનો કરુણ રકાસ
પાકિસ્તાનની મુલાકાતે ગયેલા ઈરાનના પ્રમુખે કોઠું ન આપ્યું
કાશ્મીર મુદ્દે ઈરાનનું સમર્થન મેળવવાના પાકિસ્તાનના પ્રયાસનો જબરો ફિયાસ્કો થયો હતો.પાકિસ્તાનની મુલાકાતે આવેલા ઈરાનના પ્રમુખ ઇબ્રાહિમ રાઇસીએ મંગળવારે પાકિસ્તાનના વડા પ્રધાન સાથેની સંયુક્ત પત્રકાર પરિષદમાં કાશ્મીરના નામનો ઉલ્લેખ પણ ન કરતા પાકિસ્તાન ક્ષોભજનક સ્થિતિમાં મુકાઇ ગયું હતું.
પાકિસ્તાનમાં વિવાદાસ્પદ ચૂંટણી પૂર્ણ થયા બાદ તેની મુલાકાતે આવનાર ઇબ્રાહિમ રાઇસી પ્રથમ નેતા હતા.હજુ બે મહિના પહેલા બન્ને દેશોએ એક બીજાના કથિત રીતે આતંકી થાણાઓ ઉપર હુમલા કર્યા તે પછીની ઈરાનના પ્રમુખની મુલાકાત પ્રત્યે બધાની નજર હતી.બન્ને દેશના વડાઓ વચ્ચેની મુલાકાતમાં આપસી સબંધો વધુ ગાઢ બનાવવાની તેમ જ આર્થિક સહયોગ વધારવાની વાતો થઈ હતી.
એ દરમિયાન સંયુક્ત પત્રકાર પરિષદમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે રાબેતા મુજબ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કાશ્મીર મુદ્દે અવાજ ઉઠાવવા બદલ ઈરાનની સરકાર અને ઈરાનની પ્રજાનો આભાર માન્યો હતો.
જો કે તે પછી ઈરાનના પ્રમુખે તેમના સંબોધનમાં કાશ્મીરનો ઉલ્લેખ કરવાનું કે પાકિસ્તાનના વડાપ્રધાને કરેલી ટિપ્પણીનો પ્રતિભાવ આપવાનું ટાળતાં વડાપ્રધાન શાહબાઝ શરીફ ઝંખવાણા પડી ગયા હતા.કાશ્મીર મુદ્દે ઈરાન કોઈ હસ્તક્ષેપ કરવા ન માંગતું હોવાનો ઇરાને એ રીતે સ્પષ્ટ સંદેશો આપી દીધો હતો.
ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી મહિનામાં ભારતના વિદેશમંત્રી જયશંકર ઈરાનની મુલાકાતે ગયા તે પછી કાશ્મીર મુદ્દે ઇરાને તટસ્થ અભિગમ અખતિયાર કરી રાખ્યો છે.