કંગનાને થપ્પડ મારનાર મહિલા કોન્સ્ટેબલને 1 લાખ રૂપિયાનું ઇનામ !
પંજાબના બીઝનેસમેને કરી જાહેરાત
ફિલ્મ અભિનેતા કમાલ ખાને તાપસી પન્નુને થપ્પડ -2 બનાવવાની આપી સલાહ
કંગના રનૌતને થપ્પડની ઘટના બાદ સોશિયલ મીડિયા બે ભાગમાં વહેંચાઈ ગયું છે. અભિનેત્રી સાથે જે થયું તેનાથી કેટલાક ગુસ્સે છે જ્યારે કેટલાક મહિલા કોન્સ્ટેબલ કુલવિંદરનું સમર્થન કરી રહ્યા છે. ટ્વિટર પર આવા ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં લોકો કહી રહ્યા છે કે કુલવિંદર કૌર સાચી છે.
ગગનદીપ નામના પત્રકારે ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં પંજાબનો એક બિઝનેસમેન કુલવિંદરને 1 લાખ રૂપિયા આપવાની વાત કરી રહ્યો છે. કેપ્શનમાં લખ્યું છે કે, “ઝીરકપુર (મોહાલી)ના બિઝનેસમેન શિવરાજ સિંહ બેન્સે જાહેરાત કરી છે કે તેઓ CISF કોન્સ્ટેબલ કુલવિંદર કૌરને 1 લાખ રૂપિયા આપશે, જેમણે ચંદીગઢ એરપોર્ટ પર સાંસદ કંગના રનૌતને થપ્પડ મારી હતી.”
વીડિયોમાં શિવરાજ પંજાબી ભાષામાં કહી રહ્યા છે, “હું મારી બહેન કુલવિંદર કૌરને સલામ કરું છું, જે CIFS જવાન છે, જેણે ચંદીગઢ એરપોર્ટ પર કંગના રનૌતને થપ્પડ મારી હતી અને પંજાબીઓને બચાવવા બદલ તેને 1 લાખ રૂપિયાનું ઈનામ આપીશ.”
કંગનાનો એરપોર્ટ વીડિયો જે ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે તેમાં વધુ એક થપ્પડ મારવાની ઘટના સામે આવી છે. તેમાં કંગનાની સાથે હિમાચલી કેપ પહેરેલા એક વ્યક્તિએ ત્યાં ઉભેલી એક છોકરીને થપ્પડ મારી છે. હવે ઈન્ટરનેટ પર સવાલો ઉઠી રહ્યા છે કે જ્યારે કંગનાને થપ્પડ મારવામાં આવી ત્યારે હોબાળો મચી ગયો હતો અને આ છોકરીને શા માટે થપ્પડ મારવામાં આવી હતી તેના પર કોઈએ ધ્યાન આપ્યું ન હતું.
બીજી બાજુ ફિલ્મ અભિનેતા કમાલ આર ખાન એટલે કે કેઆરકેએ કંગનાને લઈને આ મુદ્દે ટ્વિટ પણ કર્યું છે. થપ્પડની ઘટનાનો ઉલ્લેખ કરીને તેણે તાપસી પન્નુને તેની ફિલ્મ ‘થપ્પડ’નો બીજો ભાગ બનાવવાની સલાહ આપી છે. આ સાથે તેણે તાપસીને CIFSની મહિલા સૈનિકની ભૂમિકા ભજવવા માટે કહ્યું છે.