ચકી લાવી ચોખાનો દાણો… વાતો વિસરાય એ પહેલાં ચકલીને બચાવવા દર્દભરી અપીલ
અગાઉના સમયમાં વૃધ્ધ-વડીલો બાળકોને ‘ચકી લાવી ચોખાનો દાણો, ચકો લાવ્યો મગનો દાણો’, એવી વાર્તા કહેતા…. આ બાબત એવું સૂચવે છે કે બાળકને પોતાના ઘરમાં ચકલી સહજ રીતે જોવા મળી જતી. પરંતુ સમય જતાં આજે આપણાં ઘર, ગામ કે શહેરમાં ચકલીની સંખ્યા ઘટતી ચાલી. આવું કેમ બન્યું ?
નવરંગ નેચર ક્લબ દ્વારા આ વર્ષે બે લાખ ચકલીના માળાનું વિતરણ કરાશે
આ ભગીરથ કાર્યને પહોંચી વળવા ‘નવરંગ નેચર કલબ’ રાજકોટ દ્વારા બીડું ઝડપવામાં આવ્યું છે. ચકલીના કૃત્રિમ પરંતુ વૈજ્ઞાનિક સૂઝ વાળા માળાઓ આ સંસ્થા તદ્દન નજીવા ખર્ચથી પૂરા પાડે છે. આપણા નિવાસ સ્થાનોની સલામત જગ્યાએ લગાવવાથી ચકલી આપણે ત્યાં આવતી થઈ છે તેવા પ્રાથમિક અવલોકનો પણ છે. આપણને મળેલા આ આશાસ્પદ પરિણામોથી દરેક ઘર પોતાની
અનુકૂળતા મુજબ આવા કૃત્રિમ માળાઓ લગાવે તેવી દર્દભરી અપીલ ચકલીઓની જ છે… કે જેથી આપણી આવનારી પેઢીને જૂની વાર્તા કહીએ ત્યારે ચકલી વિષેની સંકલ્પના બાળકને સમજાવી ન પડે.
સાથે-સાથે ઘરમાં થતાં વંદા, કંસારી જેવા કીટકો પર આપો આપ નિયંત્રણ આવશે. અહિ હજુ વધુ સારું પરિણામ મેળવવા ચકલી માટેના ચણની છાબડી અને પાણી-પીવા માટેનું પાત્ર મૂકવું જે આપણને પંખીઓને ચણ નાંખ્યાનો આત્મ સંતોષ પણ આપશે. ચકલીનું ઘર જાતે બનાવી શકાય 5 X 5 ઈંચના લાકડાનું અથવા પૂંઠાના ઘર બનાવી શકાય. ખેતરના સેઢે એક લાઈન જુવાર અથવા બાજરાનું વાવેતર પક્ષીઓ માટે
કરી શકાય. શાળા, કોલેજો કે સંસ્થાઓ ચકલી ઘર વિતરણના પવિત્ર કામમાં વધુમાં વધુ જોડાય તેવી વિનંતી સાથે આ પુણ્યનું કામ જરૂરથી કરજો.ચકલીના પૂઠાના માળાની શરૂઆત ભારત ભરમાં ‘નવરંગ નેચર કલબ-રાજકોટ’ વર્ષ ર૦૧૦માં શરૂ કરેલ.
થયેલ કામગીરી
વર્ષ ર૦૧૦થી ૨૦૨૪માં કુલ ૧૦ લાખ માળાનું વિતરણ થયેલ છે. વર્ષ ૨૦૨૫માં ૨,૦૦,૦૦૦ (બે લાખ) ચકલીના માળાનું વિતરણ લક્ષ્યાંક છે તેમ વી. ડી. બાલા પ્રમુખ, નવરંગ નેચર ક્લબ રાજકોટ. મો. નં. ૯૪૨૭૫ ૬૩૮૯૮ એ જણાવ્યું उतु.