પંજાબમાં ગુરુ ગ્રંથ સાહેબના પાના ફાડનાર યુવાનને ટોળાએ પતાવી દીધો
ભોગ બનેલ યુવાન અસ્થિર મગજનો હતો
પંજાબના ફિરોઝપુર જિલ્લાના બંદાલા ગામમાં ગુરુ ગ્રંથ સાહેબ નું અપમાન કરનાર 19 વર્ષના એક યુવાનને લોકોએ ઢોર માર મારીને પતાવી દીધો હતો. પોલીસના જણાવ્યા મુજબ બક્ષીસ સિંઘ નામના આ યુવાને ગુરુદ્વારામાં પ્રવેશ્યા બાદ ગુરુ ગ્રંથ સાહેબના કેટલાક પાના ફાડી નાખ્યા હતા. બાદમાં આ યુવાન ભાગી રહ્યો હતો ત્યારે ઘટનાની જાણ થતા એકત્ર થઈ ગયેલા લોકોના ટોળાએ તેને પકડીને પતાવી દીધો હતો. પોલીસે બાદમાં ગુરુ ગ્રંથ સાહેબ સત્કાર સમિતિના ચેરમેન લખવીર સિંઘની ફરિયાદ પરથી મૃતક યુવાન સામે આઇપીસીની કલમ ૨૯૫ ગુનો નોંધ્યો હતો.
બીજી તરફ ટોળાના મારને કારણે મોતને ભેટેલા યુવાનના પિતા લખવિંદર સિંહે તેમનો પુત્ર માનસિક રીતે અસ્થિર હોવાનો અને તેની સારવાર પણ ચાલતી હોવાનું જણાવ્યું હતું. તેમના મરી ગયેલા પુત્ર સામે ફરિયાદ નોંધવામાં આવતા આક્રોશભેર તેમણે કહ્યું હતું કે પોલીસે મારા પુત્ર સામે ફરિયાદ નોંધવાને બદલે તેને પતાવી દેનાર લોકો સામે ફરિયાદ નોંધવી જોઈએ.
રામ રહીમ સામે કેમ પગલાં નથી લેવાતા
આ ઘટના બાદ શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિના પ્રવક્તાએ સરકાર અને પોલીસની નીતિ સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે ઇસ નિંદાની અનેક ઘટનાઓ બની છે પણ હજુ સુધી કોઈને ઉદાહરણરૂપ સજા નથી થઈ. તેમણે કહ્યું કે ડેરા સિરસાના વડા રામ રહીમ સામે દુષ્કર્મ અને હત્યાના ગુના છે. તેમનું નામ ઇસ નિંદા ના કેસમાં પણ સંડોવાયેલું છે છતાં શાસક પક્ષ વોટ બેન્કની લાલચમાં રામ રહીમ સામે કોઈ પગલા નથી લેતો.