બેડરૂમમાં સૂતેલા પ્રૌઢને જગાડી 22 ફડાકા ઝીંક્યા, કાનનો પડદો ફાટ્યો! રાજકોટના યુનિવર્સિટી રોડ પરની ઘટના
રાજકોટમાં એક બાજુ પોલીસ ગેંગને નાબૂદ કરવા માટે મહેનત કરી રહી છે પરંતુ હજુ ગંભીર પ્રકારની મારામારી અટકવાનું નામ લઈ રહી નથી. આવી જ એક ઘટના યુનિવર્સિટી રોડ પર રવિરત્ન પાર્ક શેરી નં.5માં રહેતા પ્રૌઢ સાથે બની હતી. પ્લોટ બાબતની માથાકૂટમાં ચાર શખસોએ પ્રૌઢના બેડરૂમમાં ઘૂસી ગયા હતા જ્યાં એક શખસે પ્રૌઢને 22 ફડાકા ઝીકી દેતા તેમના કાનનો પડદો ફાટી ગયો હતો.
આ અંગે જમીન-મકાનની દલાલીનું કામ કરતા મનિષભાઈ પરબતભાઈ માકડિયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેઓ તેમના ઘેર હતા ત્યારે ન્યુ પરિમલ સ્કૂલ, બંધ શેરીમાં બાપા સીતારામ મઢુલી પાસે રહેતો અર્જુન જગુભાઈ ગુજરીયા તેમજ ત્રણ શખસો ઘરમાં ઘૂસી ગયા હતા અને બેડરૂમમાં આવી ગયા હતા. આ વેળાએ અર્જુને મનિષભાઈને કહ્યું હતું કે મારે 2012થી તારા સાથે વાતચીત ચાલી રહી છે કે તારો પ્લોટ મારે ખરીદવાનો છે આમ છતા તું કેમ પ્લોટ બીજાને વેચવાની વાત કરે છે કહીને 22 ફડાકા ઝીકી દીધા હતા. આ પછી અર્જુન સાથે આવેલા ત્રણ શખસોએ પણ મનિષભાઈને મારવાનું શરૂ કરતા તેમના પત્ની વચ્ચે પડતા તેમને પણ માર માર્યો હતો. દેકારો થતાં અર્જુને કહ્યું હતું કે તારા ઘરની સામે આવેલો તારો પ્લોટ બીજાને વેચીશ તો ટાંટીયા ભાંગી નાખીશ કહીને કાળા રંગની એન્ડેવર કારમાં નીકળી ગયો હતો.
મનિષભાઈને સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાતા તેમનો જમણા કાનનો પડદો ફાટી ગયો હોવાનું નિદાન થયું હતું. મનિષભાઈની ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસે અર્જુન ગુજરીયા સહિત ચાર લોકો સામે ગુનો દાખલ કર્યો હતો.
