બૂમ બૂમ બૂમરાહ.. ICC ટેસ્ટ રેન્કિંગમાં જસપ્રીત બુમરાહે લગાવી છલાંગ, બન્યો નંબર 1 ટેસ્ટ ફાસ્ટ બોલર
ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન જોવા મળ્યું છે. જસપ્રીત બુમરાહે જોરદાર છલાંગ લગાવી છે અને ICC દ્વારા જાહેર કરવામાં આવેલી નવીનતમ ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. બુમરાહ ટેસ્ટ ક્રિકેટમાં નંબર 1 ફાસ્ટ બોલર બની ગયો છે. તેણે પોતાના દેશબંધુ રવિચંદ્રન અશ્વિનને પાછળ છોડીને નંબર 1નું સ્થાન મેળવ્યું છે. જસપ્રીત બુમરાહ ઉપરાંત ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન યશસ્વી જયસ્વાલ અને વિરાટ કોહલીએ પણ બેટ્સમેન ટેસ્ટ રેન્કિંગમાં મોટી છલાંગ લગાવી છે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કાનપુર ટેસ્ટ બાદ ટેસ્ટ રેન્કિંગમાં ફેરફાર થયો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ બુધવારે (2 ઓક્ટોબર) ના રોજ નવીનતમ ટેસ્ટ રેન્કિંગ જાહેર કરી. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આ ફોર્મેટમાં નંબર-1 બોલર બન્યો છે. આ પહેલા રવિચંદ્રન અશ્વિન ટોપ પર હતો. બુમરાહ બીજી વખત ટોપ રેન્કિંગમાં પહોંચ્યો છે. બેટ્સમેનોની વાત કરીએ તો કેપ્ટન રોહિત શર્માને મોટી ખોટ પડી છે.
A new No.1 ranked bowler is crowned as India's Test stars rise the latest rankings 😯https://t.co/6xcPtYGiFW
— ICC (@ICC) October 2, 2024
ઋષભ પંત પણ નીચે સરકી ગયો છે. યશસ્વી જયસ્વાલ અને વિરાટ કોહલીને ફાયદો થયો છે. કોહલી ફરી ટોપ-10માં આવી ગયો છે. કાનપુર ટેસ્ટમાં અશ્વિને 5 વિકેટ લીધી હતી. જ્યારે બુમરાહે 6 વિકેટ લીધી હતી. બંને વચ્ચે એક પોઈન્ટનો તફાવત છે. બુમરાહનું રેટિંગ 970 પોઈન્ટ છે. બાંગ્લાદેશના બોલરોની વાત કરીએ તો મેહદી હસન 18મા ક્રમ પર અને શાકિબ અલ હસન 28મા ક્રમે પહોંચી ગયો છે.
યશસ્વી જયસ્વાલ ત્રીજા નંબરે પહોંચી
બાંગ્લાદેશ સામે વરસાદથી પ્રભાવિત ટેસ્ટ દરમિયાન ભારતના ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ડાબોડી બેટ્સમેન અપડેટેડ ટેસ્ટ બેટ્સમેન રેન્કિંગમાં બે સ્થાનની છલાંગ લગાવીને ત્રીજા સ્થાને પહોંચીને તેની કારકિર્દીની નવી સર્વોચ્ચ રેટિંગ હાંસલ કરી છે. યશસ્વીએ આ મેચમાં 72 અને 51 રન બનાવ્યા હતા. ટેસ્ટ બેટ્સમેનોની અપડેટ કરાયેલી રેન્કિંગમાં માત્ર ઈંગ્લેન્ડનો જો રૂટ અને ન્યુઝીલેન્ડનો કેન વિલિયમસન જયસ્વાલથી આગળ છે.
શુભમન ગિલને પણ 2 સ્થાનનું નુકસાન થયું
બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટમાં અણનમ 47 અને 29 રન બનાવ્યા બાદ વિરાટ કોહલીએ છ સ્થાનની છલાંગ લગાવી છે. તે છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. રિષભ પંતને 3 સ્થાનનું નુકસાન થયું છે. તે નંબર 6 થી નંબર 3 પર ગયો. રોહિત શર્માને 5 સ્થાનનું નુકસાન થયું છે. તે 10મા નંબરથી 15મા ક્રમે ગયો. શુભમન ગિલને પણ 2 સ્થાનનું નુકસાન થયું છે. તે 16મા નંબરે પહોંચી ગયો છે.