એનાઈએ સક્રિય, વિદેશમાં રહેતા આતંકીઓ સામે સખત પગલાંની તૈયારી
ખલિસ્તાની આતંકીઓ સામે હવે સામૂહિક રીતે સખત પગલાં લેવાની તૈયારી થઈ રહી છે. પંજાબમાં આતંકવાદને ડામવા માટે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ ખાલિસ્તાની આતંકવાદીઓની નવી યાદી બનાવી છે. વિદેશમાં રહેલા આતંકીઓની સંપત્તિ જપ્ત કરવામાં આવશે.
સરકાર તેમના આર્થિક સ્ત્રોતો બંધ કરવા પર કામ કરી રહી છે. આ યાદીમાં એવા ઘણા લોકો સામેલ છે જે વિદેશમાં બેસીને ભારત વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યા છે. એસએફજે ચીફ ગુરપતવંત સિંહ પન્નુની સંપત્તિ જપ્ત કર્યા બાદ ભાગેડુ ખાલિસ્તાની આતંકવાદીઓની આ નવી યાદી તૈયાર કરવામાં આવી છે.
ભારતીય ગુપ્તચર એજન્સીઓએ કેનેડામાં માર્યા ગયેલા ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર પર ડોઝિયર જાહેર કર્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે નિજ્જરે કેનેડાની ધરતી પર તેની સંસ્થાને તાલીમ, ધિરાણ અને સંચાલનમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. નિજ્જરે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIની મદદથી પાકિસ્તાનમાં ટ્રેનિંગ લીધી હતી અને દેશના અન્ય ખાલિસ્તાની નેતાઓ સાથે સંબંધો બનાવવાનું શરૂ કર્યું હતું.
બ્રિટન, અમેરિકા, કેનેડા, દુબઈ, પાકિસ્તાન અને અન્ય દેશોમાં રહેતા ભાગેડુ ખાલિસ્તાનીઓની ભારતમાં તમામ મિલકતો જપ્ત કરવામાં આવશે. આ મિલકતો યુએપીએની કલમ 33(5) હેઠળ જપ્ત કરવામાં આવશે. એનાઈએના સૂત્રોના જણાવ્યા અનુસાર આ યાદી એવા 19 ખાલિસ્તાની આતંકવાદીઓની તૈયાર કરવામાં આવી છે જેઓ વિદેશમાં રહીને ભારત વિરુદ્ધ ભારત વિરોધી પ્રચાર ચલાવી રહ્યા છે.