રાજકોટમાં વોર્ડ સંગઠનમાં ‘મારા-તારા’ મુદ્દે ભાજપના કોર્પોરેટર-પ્રભારી વચ્ચે ધબાધબી, વાંચો શું છે સમગ્ર મામલો
શિસ્તબદ્ધ પાર્ટી તરીકે જેની ગણતરી થાય છે તે ભારતીય જનતા પાર્ટીમાં નાની-નાની વાતે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હોવાની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. એક બાજુ ચાલું વર્ષે મહાપાલિકાની ચૂંટણી હોય પદાધિકારીઓ એક બાદ એક વિકાસકાર્યનું ખાતમુહૂર્ત, લોકાર્પણ કરી રહ્યા છે. આવું જ એક વિકાસકાર્ય વોર્ડ નં.5માં શરૂ કરવામાં આવ્યું હતું. આ વોર્ડમાં ડામર રિ-કાર્પેટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યા બાદ વોર્ડ નં.5ના કોર્પોરેટર અને વોર્ડપ્રભારી વચ્ચે ધબાધબી બોલી ગયાની વાત વાયુવેગે પ્રસરી જતાં સૌ સ્તબ્ધ બની ગયા હતા.
આ અંગે જાણવા મળેલી વિગતો પ્રમાણે ગત શનિવારે શહેર ભાજપ પ્રમુખ ડૉ.માધવ દવે દ્વારા અઢારેય વોર્ડના ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી અને કોષાધ્યક્ષની જાહેરાત કરવામાં આવી હતી. જો કે આ પસંદગી પ્રક્રિયા પહેલાં વોર્ડ નં.5ના કોર્પોરેટર અને ફાયર સમિતિના ચેરમેન દિલીપ લુણાગરિયા દ્વારા પણ નામ આપવામાં આવ્યા હતા પરંતુ તેમણે આપેલા નામ ઉપર પસંદગીનો કળશ ઢોળાયો ન્હોતો અને વોર્ડ પ્રભારી દુષ્યંત સંપટે આપેલા નામને જ પસંદ કરવામાં આવ્યા હોવાનું ધ્યાન પર આવતાં દિલીપ લુણાગરિયાએ દુષ્યંત સંપટને `તમારી રીતે જ નામ નક્કી કરી લેવાના હતા તો પછી અમારા પાસેથી શા માટે નામ માંગ્યા ?’ કહેતાં જ વાત ઉગ્ર બોલાચાલી સુધી પહોંચી ગઈ હતી અને એક સમયે સામસામી ખેંચાઈ જવાની તૈયારી હોવાનું પણ ત્યાં હાજર લોકોએ જણાવ્યું હતું.
આ ઉપરાંત થોડા સમય પહેલાં સદસ્ય સંમેલન યોજાયું હતું તેમાં પણ પીઠ પાછળ ઘસાતું બોલવાનો મુદ્દો અહીં ઉપસ્થિત થયો હતો અને તે મુદ્દે પણ ગરમાગરમ ચર્ચા થવા પામી હતી. બીજી બાજુ આ અંગે મોવડીઓનો સંપર્ક સાધવામાં આવતાં તેમણે આવું કશું બન્યાનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો.
મારે માથાકૂટ થઈ છે તેની મને જ નથી ખબર : દિલીપ લુણાગરિયા
વોર્ડ નં.5ના કોર્પોરેટર, ફાયર સમિતિના ચેરમેન અને જેમને વોર્ડપ્રભારી દુષ્યંત સંપટ સાથે માથાકૂટ થયાની વાત વહેતી થઈ છે તે દિલીપ લુણાગરિયાએ જણાવ્યું કે મારે માથાકૂટ થઈ છે તે વાત બિલકુલ ખોટી છે. હું અને દુષ્યંત સંપટ સાથે જ બેઠા હતા અને ચા પણ પીધી હતી. અમારા વચ્ચે કોઈ ગજગ્રાહ કે માથાકૂટ નથી એટલા માટે આ વાત જાણીજોઈને ચગાવાઈ હોય તેવું લાગી રહ્યું છે.
આવું કશું બન્યું જ નથી, અમે ત્યાં હાજર જ હતા : મેયર
મેયર નયનાબેન પેઢડિયાએ જણાવ્યું કે બોલાચાલી, કાંઠલા પકડી લેવા સહિતની કોઈ જ ઘટના બની નથી. હું ત્યાં હાજર જ હતી. મારા ઉપરાંત શહેર ભાજપ પ્રમુખ ડૉ.માધવ દવે, મહામંત્રી અશ્વિન મોલિયા, કોર્પોરેટર ડૉ.હાર્દિક ગોહિલ સહિતના પણ ઉપસ્થિત હતા. ડામર રિ-કાર્પેટ ખાતમુહૂર્ત કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આગળ જ આવેલી નવદૂર્ગા હોટેલ ઉપર બધાએ સાથે ચા-નાસ્તો પણ લીધાં હતા એટલા માટે માથાકૂટ થયાની વાત તદ્દન ખોટી છે.
હું ત્યાં હાજર હતો ત્યાં સુધી કશું ન્હોતું બન્યુંઃ હાર્દિક ગોહિલ
વોર્ડ નં.5ના કોર્પોરેટર હાર્દિક ગોહિલનો સંપર્ક સાધવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે હું ત્યાં હાજર હતો ત્યાં સુધી દિલીપ લુણાગરિયા અને દુષ્યંત સંપટ વચ્ચે કોઈ પ્રકારની માથાકૂટ થયાનું ધ્યાન ઉપર આવ્યું ન્હોતું. હું કાર્યક્રમમાં મોડો પહોંચ્યો હતો ત્યારે મને પણ વિવિધ માધ્યમો મારફતે માથાકૂટ થયાની વાત ધ્યાન પર આવી છે એટલે ખરેખર શું થયું છે તેનો મને ખ્યાલ નથી.
મેં તમામ પ્રકારની તપાસ કરી છે, માથાકૂટ થયાનું ધ્યાન પર નથી આવ્યુંઃ ડૉ.દવે
શહેર ભાજપ પ્રમુખ ડૉ.માધવ દવેએ જણાવ્યું કે મેં માથાકૂટ થયાની વાત અંગે તમામ પ્રકારની તપાસ કરી છે જેમાં દિલીપ લુણાગરિયા અને દુષ્યંત સંપટ સાથે પણ વાત કરી હતી પરંતુ બન્નેએ આવું કશું બન્યાનો ઈનકાર કર્યો હતો. વળી, કાર્યક્રમ વખતે હું ત્યાં હાજર જ હતો એટલે ત્યારે તો કશું બન્યું ન્હોતું આમ છતાં હું મારી રીતે તપાસ કરી રહ્યો છું.