લો બોલો !! ડિગ્રી વગરના ડોક્ટરે 15 લોકોના કર્યા ઓપરેશન, 7 દર્દીના મોત, પોસ્ટમોર્ટમ કર્યા વિના જ પરિજનોને મૃતદેહ સોંપ્યા
મધ્યપ્રદેશના દમોહમાં એક નકલી ડૉક્ટરે મિશન હોસ્પિટલમાં 15 દર્દીના ઓપરેશન કર્યા હોવાનો તેમજ તેમાંથી સાત દર્દીના મોત થયા હોવાની રાષ્ટ્રીય માનવાધિકાર પંચમાં ફરિયાદ નોંધાઈ છે. મિશનરી સંસ્થાનની એક હોસ્પિટલના વ્યક્તિએ આક્ષેપ કર્યો છે કે, એક વ્યક્તિ નકલી કાર્ડિયોલોજિસ્ટ બનીને હોસ્પિટલમાં આવ્યો હતો અને તેણે અહીં 15 દર્દીઓના ઓપરેશન કરી નાખ્યા હતા. આ બધા દર્દી હાર્ટ પેશન્ટ હતા.
દામોહના રહેવાસી દીપક તિવારી નામના વ્યક્તિએ શહેરના એક હોસ્પિટલ પર આક્ષેપ કરીને કહ્યું કે, એક નકલી ડૉક્ટરે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં હોસ્પિટલમાં આવેલા દર્દીઓના ઓપરેશન કરી નાખ્યા છે, જેમાંથી સાત લોકોના મોત થયા છે.
તિવારીએ કહ્યું કે, હોસ્પિટલમાં એક વ્યક્તિ આવ્યો હતો અને તે પોતાને લંડનના કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર એનજૌન કેમ કહેતો હતો. તેણે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં 15 દર્દીઓના હૃદયના ઓપરેશન કર્યા છે, જેમાંથી સાતના મોત થયા છે. ઘટના બાદ તપાસ કરાતા નકલી ડૉક્ટર એનજોન કેમ નહીં, પરંતુ નરેન્દ્ર વિક્રમાદિત્ય યાદવ છે.
રાષ્ટ્રીય માનવાધિકાર પંચને લખેલા પત્રમાં આક્ષેપ કરાયો છે કે, ‘મિશન હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગમાં સાત દર્દીઓના મૃત્યુ થયા છે અને તે અંગે કોઈપણ ફરિયાદ કરવામાં આવી નથી. એટલું જ નહીં મૃતક વ્યક્તિઓના પરિવારજનો પાસેથી મોટી ફી વસૂલવામાં આવી છે અને તેમને સમજાવીને પૉસ્ટમોર્ટમ કર્યા વગર મૃતદેહ પરત આપી દેવાયા છે.’
