રાજકોટના ક્રિસ્ટલ મોલમાં પૂર્વ પ્રેમીને ફિલ્મ જોવા માટે બોલાવી યુવતીએ હાલના પ્રેમી સાથે મળીને માર માર્યા બાદ મોબાઈલ અને રોકડ પડાવી લીધાની પોલીસ ફરિયાદ નોંધાતાં ચકચાર મચી જવા પામી હતી.
આ અંગે મોરબીના શનાળા બાયપાસ રોડ ઉપર રહેતા ભરત રામજીભાઈ રાઠોડે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે એક વર્ષ પહેલાં તે પુષ્કરધામ મેઈન રોડ પર લોટસ એવન્યુની સામે સ્પોર્ટસ કોમ્પલેક્સમાં ઈલેક્ટ્રિકમેનનું કામ કરતો હતો ત્યારે અહીં સફાઈકામ કરતી વર્ષો નારોલા સાથે પરિચય થયો હતો. વર્ષાના અગાઉ લગ્ન થયા હતા પરંતુ તે પતિ સાથે રહેતી ન્હોતી. આ પછી ભરત-વર્ષા વચ્ચે પ્રેમસંબંધ શરૂ થયો હતો જેના કારણે ભરતે પોતાના નામે વર્ષાને મોબાઈલ ગિફટમાં આપ્યો હતો. જો કે વર્ષા સુનિલ ચનાભાઈ ચાવડા સાથે નાસી જતાં ભરતે હપ્તા ભરવાનું બંધ કરી દીધું હોવાને કારણે મોબાઈલ લોક થઈ ગયો હતો.
દરમિયાન ત્રણ મહિના પહેલાં વર્ષાએ ભરતને ફોન કરી ક્રિસ્ટલ મોલમાં ફિલ્મ જોવા માટે બોલાવ્યો હતો પરંતુ ફિલ્મની ટિકિટ ન મળતાં ગાર્ડનમાં મળવાનું નક્કી કર્યું હતું. ભરત જ્યારે ક્રિસ્ટલ મોલમાં નીચે આવી રહ્યો હતો ત્યારે સુનિલ ચાવડા ત્યાં ધસી આવ્યો હતો અને મારામારી શરૂ કરી દઈ ભરતના પાકિટમાંથી 10 હજાર રોકડ તેમજ મોબાઈલ લઈ ગયો હતો સાથે સાથે વર્ષોએ બેફામ ગાળો ભાંડી હતી જેના કારણે બન્ને સામે ફરિયાદ નોંધાવી હતી.
