રાજકોટની સોની બજારમાં ફરીવાર બંગાળી કારીગર કળા કરી ગયો! રૂ.36.40 લાખના સોનાના દાગીના ચોરી પલાયન
રાજકોટની સોનીબજારમાં વિશ્વાસઘાત અને ચોરીના કિસ્સાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. રાજકોટમાં સોનાના દાગીના બનાવવાનું કામ કરતા એક બંગાળી વેપારીની પેઢીમાંથી જ તેમનો જ એક કારીગર 320 ગ્રામ સોનાના દાગીના (કિંમત 36,40,910) લઈને ફરાર થઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.આરોપીએ વહેલી સવારે તકનો લાભ લઈ ચોરને અંજામ આપ્યો હતો જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
આ અંગેની વિગતો મુજબ, મૂળ પશ્ચિમ બંગાળના અને હાલ રાજકોટ પેલેસ રોડ પર રહેતા સૌમેન રામચંદ્ર સામંતા (ઉ.વ. 50) રાજકોટની બોઘાણી શેરીમાં ‘શિવ દુર્ગા જવેલર્સ’ નામની ત્રણ માળની દુકાન ધરાવે છે, જ્યાં સોનાના દાગીના બનાવવાનું કામ થાય છે. તેમની પાસે 15 જેટલા કારીગરો કામ કરે છે. આ કારીગરો પૈકી પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાનો વતની અજય બબલુ માલીક પણ છેલ્લા દોઢ મહિનાથી ત્યાં કામ કરતો હતો.
તાજેતરમાં તા. 10/12/2025ના વેપારીએ અજય માલીકને 22 કેરેટ સોનાના 320 ગ્રામ દાગીના નકશીકામ માટે આપ્યા હતા. ત્યારબાદ તા. 12/12/2025ના સવારે જ્યારે વેપારી દુકાને પહોંચ્યા ત્યારે અજય ત્યાં હાજર નહોતો અને તેનો ફોન પણ બંધ આવતો હતો. શંકા જતાં દુકાનના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા જેમાં આરોપી અજય માલીક વહેલી સવારે 6ઃ30 વાગ્યે ટેબલના ખાનામાંથી સોનાના દાગીના કાઢીને ચોરી કરીને જતો દેખાઈ રહ્યો હતો.
જોકે આરોપી વેપારીના વતનનો હોય જેથી તેણે વતનમાં અને અન્ય સ્થળે અજયનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી પરંતુ કોઈ પત્તો ન લાગતા આખરે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે 320 ગ્રામ સોનાની ચોરી અંગે ગુનો નોંધી આરોપી અજય બબલુ માલીકને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
