ટી-20ના ‘ધુરંધર’ બનવા આજથી 20 ટીમ વચ્ચે જંગ! 8 માર્ચ સુધી 55 મુકાબલા થશે: ચેમ્પિયન બનવા ભારત ડાર્કહોર્સ
ક્રિકેટરસિકોના સૌથી મનપસંદ ફોર્મેટ એવા ટી-20 વર્લ્ડકપનો આજે શનિવારથી ધમાકેદાર પ્રારંભ થવા જઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ઉતરશે. ભારતીય ટીમનું ફોર્મ જોતાં તે આ વખતે પણ ચેમ્પિયન બનવા માટે ડાર્કહોર્સ મતલબ કે પ્રબળ દાવેદાર લાગી રહી છે. આ ઉપરાંત ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, ન્યુઝીલેન્ડ, ઑસ્ટ્રેલિયા જેવી ટીમ પણ મજબૂત હોય ટૂર્નામેન્ટ રોમાંચક બની રહેશે તે નિશ્ચિત છે. એકંદરે આજથી 20 ટીમ વચ્ચે 55 મુકાબલા થયા બાદ 8 માર્ચે ટી-20ની `ધુરંધર’ ટીમ પણ નક્કી થઈ જશે. આખોયે વર્લ્ડકપ ભારત અને શ્રીલંકાની સંયુક્ત યજમાનીમાં રમાનાર હોય ભારતમાં આ ટૂર્નામેન્ટ દિલ્હી, કોલકત્તા, ચેન્નાઈ, મુંબઈ અને અમદાવાદ તો શ્રીલંકામાં કેન્ડી અને કોલંબોના 2 ગ્રાઉન્ડ ઉપર રમાશે.
આજે શનિવારે સૌથી પહેલો મુકાબલો સવારે 11 વાગ્યાથી પાકિસ્તાન-નેધરલેન્ડસ વચ્ચે થશે. આ પછી બીજી મેચ બપોરે 3 વાગ્યાથી વેસ્ટ ઈન્ડિઝ-સ્કોટલેન્ડ વચ્ચે અને ત્રીજી મેચ ભારત-યુએસએ વચ્ચે સાંજે 7 વાગ્યાથી રમાશે. એકંદરે 19 ફેબ્રુઆરી સુધી દરરોજ 3 મેચ રમાશે.
ભારતીય ટીમને ફરી વખત ચેમ્પિયન બનાવવાની જવાબદારી 11 `ધુરંધરો’ ઉપર રહેશે પરંતુ કેપ્ટન સૂર્યકુમાર યાદવ, અભિષેક શર્મા, હાર્દિક પંડ્યા, ઈશાન કિશન, તિલક વર્મા, જસપ્રીત બુમરાહ સહિતના ખેલાડીઓના ખભે વિશેષ જવાબદારી રહેશે કેમ કે આ તમામ અત્યારે ફુલ ફોર્મમાં રમી રહ્યા છે.
જો આ ટૂર્નામેન્ટના ફાઈનલમાં પાકિસ્તાન ટીમ પહોંચશે તો મુકાબલો શ્રીલંકામાં થશે અને જો અન્ય કોઈ ટીમ ફાઈનલમાં પહોંચશે તો પછી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ટ્રોફી માટે જંગ જામશે.
અત્યાર સુધીની ટી-20 વર્લ્ડકપ વિજેતા ટીમ
ભારત: 2007
પાકિસ્તાન: 2009
ઈંગ્લેન્ડ: 2010
શ્રીલંકા: 2014
વિન્ડિઝ: 2016
ઑસ્ટ્રેલિયા: 2021
ઈંગ્લેન્ડ: 2022
ભારત: 2024
આજે ઉદ્ઘાટન સમારોહમાં નોરા ફતેહી, બાદશાહ સહિતના કલાકારો ધૂમ મચાવશે
આજે શનિવારથી ટી-20 વર્લ્ડકપનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સાંજે 6 વાગ્યાથી વાનખેડે સ્ટેડિયમ ઉપર ભવ્ય ઓપનિંગ સેરેમની પણ યોજાશે જેમાં અભિનેત્રી તેમજ ડાન્સર નોરા ફતેહી, રેપર બાદશાહ ઉપરાંત ઋષભ શર્મા, શિવામણિ, અનિરુદ્ધ રવિચંદર સહિતના કલાકારો ધૂમ મચાવશે. અનિરુદ્ધ રવિચંદર દ્વારા વર્લ્ડકપના સત્તાવાર થીમ સોંગ `Feel The Thrill’ ઉપર પરફોર્મ કરવામાં આવશે. આમ તો વર્લ્ડકપની મેચ સવારે 11 વાગ્યાથી જ શરૂ થઈ જશે પરંતુ ભારતની મેચ સાંજે 7 વાગ્યાથી હોય તેના પહેલાં આ સેરેમની યોજાશે.
પાકિસ્તાનની `ટંગડી’ ઉંચીને ઉંચી: શ્રીલંકાની અપીલ પણ ઠુકરાવી
આજે શનિવારથી ટી-20 વર્લ્ડકપ શરૂ થવાનો છે તે પહેલાં જ પાકિસ્તાન 15 ફેબ્રુઆરીએ ભારત સામે મેચ રમવી કે કેમ તેનો નિર્ણય લીધો નથી. આ મુદ્દે શ્રીલંકા ક્રિકેટ દ્વારા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને પત્ર લખીને ભારત વિરુદ્ધની મેચના બહિષ્કાર મુદ્દે ફેરવિચારણા કરવાની અપીલ કરવામાં આવી હતી પરંતુ આ અપીલ પણ PCB દ્વારા ફગાવી દેવામાં આવી હતી.
વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયા
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, રિન્કુ સિંહ, અભિષેક શર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દૂબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, સંજૂ સેમસન, ઈશાન કિશન, જસપ્રિત બુમરાહ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ.
