કોઈ પણ વ્યક્તિને હાથે મૂર્તિ વિસર્જન કરવા નહીં દેવાય, તમામે ફાયર સ્ટાફને મૂર્તિ આપવાની રહેશે: ક્રેન, રેસ્ક્યુ બોટ, એમ્બ્યુલન્સ સહિતની વ્યવસ્થા સાથે સ્ટાફ સજ્જ
આજે ભક્તો ભારે હૈયે ગણપતિદાદાને વિદાય આપવાના છે ત્યારે તંત્ર દ્વારા શહેરમાં સાત સ્થળે ગણપતિ દાદાની મૂર્તિનું વિસર્જન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. દરમિયાન વિસર્જન વખતે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સાતેય સ્થળ ઉપર ફાયરબ્રિગેડનો ૮૦ લોકોનો સ્ટાફ સવારે ૭ વાગ્યાથી તૈનાત રહેશે.
તંત્ર દ્વારા આજી ડેમ ઓવરફ્લો પાસે ખાણ નં.૧, ખાણ નં.૨, આજીડેમ ઓવરફ્લો ચેક ડેમ, પાળ ગામ, જખરા પીરની દરગાહ પાસે મવડી ગામથી આગળ, ન્યારાના પાટિયા પાસે ન્યારા રોડ, બાલાજી વેફર્સની સામે વાગુદડ પાટિયા પછીના પુલ નીચે કાલાવડ રોડ અને એચ.પી.ના પેટ્રોલ પંપ સામે રવિવાર બજારવાળું ગ્રાઉન્ડ આજી ડેમ પાસે ભાવનગર રોડ એમ સાત જગ્યાએ વિસર્જન માટે વ્યવસ્થા કરાઈ છે. આ માટે ફાયરબ્રિગેડ દ્વારા પાંચ ક્રેન, રેસ્ક્યુ બોટ, એમ્બ્યુલન્સ, લાઈફ જેકેટ સહિતની વ્યવસ્થા સાથે સ્ટેશન ઑફિસર, લીડિંગ ફાયરમેન, ફાયરમેન સહિત ૮૦ લોકોનો સ્ટાફ સવારે ૭ વાગ્યાથી તૈનાત રહેશે. દરેક સ્થળે બેરીકેડ લગાવી દેવામાં આવી છે અને કોઈ પણ વ્યક્તિને તેમના હાથે વિસર્જન કરવા દેવામાં આવશે નહીં. સ્થળ પર પહોંચ્યા બાદ મૂર્તિ ફાયર સ્ટાફને સોંપવાની રહેશે.