79માં સ્વતંત્રતા દિવસની ઉજવણી : રાષ્ટ્રપ્રેમના રંગે રંગાયું રાજકોટ, તરઘડી,પોલીસ હેડ ક્વાર્ટર, ચૌધરી હાઇસ્કૂલ, મનપા કચેરી ખાતે કરાયું ધ્વજવંદન
દેશના 79મા સ્વતંત્રતા દિવસ છે જેની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી રહી છે. ત્યારે આજે રાજકોટની વાત કરીયે તો રંગીલું શહેર આજે રાષ્ટ્રપ્રેમના રંગે રંગાઈ ગયું છે. સમગ્ર જિલ્લામાં આજે વિવિધ જગ્યાઓ પર સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ શહેરકક્ષાના કાર્યક્રમની આન-બાન-શાનથી ઉજવણી નિવાસી અધિક કલેક્ટર એ. કે. ગૌતમની અધ્યક્ષતા અને શહેર પ્રાંત અધિકારી ચાંદનીબેન પરમારની ઉપસ્થિતિમાં ચૌધરી હાઈસ્કૂલ ખાતે થઈ હતી. આ અવસરે નિવાસી અધિક કલેક્ટરએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો તથા ઉપસ્થિત સૌએ રાષ્ટ્રગાન સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટરએ રાજકોટ પોલીસ દળ, એન.સી.સી.ની બોયઝ બટાલિયન તથા એન.સી.સી.ની ગર્લ્સ કેડેટસની પ્લાટુનનું નિરીક્ષણ કર્યું હતું.

તરઘડી ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર દિનની ઉજવણી
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના તરઘડી ગામમાં જવાહર નવોદય વિદ્યાલય ખાતે જિલ્લાકક્ષાના 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, રાજકોટ કલેકટરે ડો.ઓમપ્રકાશ, પોલીસ અધિકારો હાજર રહ્યા હતા. ભાનુબેન બાબરીયા સહીતના પદાધિકારીઓ દ્વારા તિરંગાને સલામી આપવામાં આવી હતી. ધ્વજવંદન બાદ ભાનુબેન, રાજકોટ કલેકટરે દ્વારા પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસ કમિશનરના હસ્તે ધ્વજવંદન

રાજકોટ શહેર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પરેડ ગ્રાઉન્ડ ખાતે આજના 79માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સવારે 9 વાગ્યે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગાને સલામી આપવામાં આવી હતી. આ તકે જુદી-જુદી કુલ 9 જેટલી પ્લાટુન દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. ધ્વજવંદન બાદ પોલીસ કમિશ્નર દ્વારા પરેડ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સાથે આજના આ કાર્યક્રમમાં પરેડ નિરીક્ષણ બાદ શહેરને ગુનાખોરી મુક્ત બનાવવા મહત્વની કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : કેસરી પાઘડી, ભગવા જેકેટ અને તિરંગા બોર્ડરનો દુપટ્ટો : 12 વર્ષમાં આ હતો વડાપ્રધાન મોદીનો સ્વતંત્રતા દિવસ અનોખો અંદાજ
ભાજપ કાર્યાલય ખાતે ધ્વજવંદન
રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે પણ સ્વતંત્રતા પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કર્ણાટકનાં પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાનાં હસ્તે સવારે 8 વાગ્યે ધ્વજવંદન કરવામાં આવ્યું હતુ . આ કાર્યક્રમમાં સ્થાનિક ભાજપનાં તમામ આગેવાનો હાજર રહ્યા હતા. અને લોકોને સ્વતંત્રતા પર્વની ખાસ શુભકામનાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં મેયર નયના પેધડિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભારત બોધરા, ધારાસભ્ય દર્શીતા શાહ અને ઉદય કાનગડ તેમજ શહેર પ્રમુખ માધવ દવે સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
રાજકોટ મનપામાં મેયરના હસ્તે ધ્વજવંદન

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજના 79મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સવારે 9 વાગ્યે મનપા કચેરી ખાતે કરવામાં આવી હતી. રાજકોટના મેયર નયનાબેન પેઢડીયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. જયારે ચૌધરી હાઈસ્કૂલ ખાતે અધિક કલેકટર એ.કે.ગૌતમ દ્વારા કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન બાદ મેયર નયનાબેન પેઢડીયા દ્વારા પ્રજાજોગ ઉદબોધન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આજે રાજકોટ શહેરની વિવિધ શાળા કોલેજ ખાતે પણ 79માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને શાળા કોલેજોમાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે આખાએ રાજકોટમાં દેશ ભક્તિનો માહોલ છવાઇ જવા પામ્યો હતો.

રાજકોટ શહેરકક્ષાના કાર્યક્રમની આન-બાન-શાનથી ઉજવણી
દેશના 79મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાજકોટ શહેરકક્ષાના કાર્યક્રમની આન-બાન-શાનથી ઉજવણી ચૌધરી હાઈસ્કૂલ ખાતે કરવામાં આવી હતી. આ તકે નિવાસી અધિક કલેક્ટર એ. કે. ગૌતમે સ્વાતંત્ર્ય પર્વની શુભકામના પાઠવતાં જણાવ્યું હતું કે, આ દેશના અનેક નામી-અનામી સ્વાતંત્ર્ય વીરોના ત્યાગ, તપસ્યા અને બલિદાનના પરિણામે 15મી ઓગસ્ટ, 1947ના રોજ દેશને આઝાદી મળી. આઝાદ, સાર્વભૌમ અને વિશ્વની સૌથી મોટી લોકશાહી એવા આપણા દેશને વર્ષ ૨૦૪૭માં ‘વિકસિત દેશ’ બનાવવાનું વિઝન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપ્યું છે. આપણા પૂર્વજો દેશની આઝાદી માટે લડ્યા હતા. ત્યારે આપણે સૌ દેશહિતમાં શ્રેષ્ઠ યોગદાન આપીને દેશને વર્ષ 2047સુધીમાં વિકસિત બનાવવા નાગરિક ધર્મ નિભાવીએ એ સમયની માંગ છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે અને છેવાડાના વિસ્તારના લોકો સુધી તેના લાભો પહોંચે તેના માટે સતત કામગીરી કરી છે.

નિવાસી અધિક કલેક્ટરશ્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાતની પ્રથમ એઈમ્સ રાજકોટના આંગણે અનેક દર્દીઓની સેવા કરી રહી છે. રાજકોટ જિલ્લામાં દરરોજ સરેરાશ 390થી વધુ લોકો આયુષ્માન કાર્ડ હેઠળ આશરે રૂ. 1.16 કરોડની સારવાર મેળવી રહ્યા છે. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય – મા યોજના હેઠળ 1567146 કાર્ડ કાઢવામાં આવ્યા છે.
જિલ્લામાં ‘નમોશ્રી યોજના’ અંતર્ગત જાન્યુઆરીથી જુલાઈ દરમિયાન 25726 સગર્ભા માતાઓને રૂ.6.43 કરોડની સહાય આપવામાં આવી છે. ‘પંડીત દીનદયાળ આવાસ યોજના’ હેઠળ રાજકોટ જિલ્લામાં 225 લાભાર્થીઓને આવાસ બનાવવા માટે રૂ. 95.50 લાખની સહાય આપવામાં આવી છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે ‘પ્રાકૃતિક કૃષિ અભિયાન’ હેઠળ રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં 12390 થી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવી છે. મગફળી, સોયાબીન, તલ, મગ, અડદ તેમજ શાકભાજી, બાજરી અને બાગાયાતી પાકો સહિત કુલ 2818.25 એકરમાં પ્રાકૃતિક કૃષિ થઈ રહી છે. બે જિલ્લાકક્ષાની સ્પોર્ટ્સ સ્કૂલના વિવિધ ખેલાડીઓએ અત્યાર સુધીમાં રાજ્યકક્ષાએ 80 મેડલ તેમજ રાષ્ટ્રીય કક્ષાએ 30 મેડલ હાંસલ કર્યા છે. રાજકોટ જિલ્લાના કુલ 10584 કેસો સુ-ઓ મોટો જુની શરતમાં ફેરવવાની ૯૭% કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં આવી છે. છેલ્લા એક વર્ષમાં જિલ્લામાં ઘરવિહોણી વિચરતી કે અર્ધવિચરતી જાતિના કુલ 170 કુટુંબોને સ્થિર વસવાટના હેતુ માટે વ્યક્તિગત ઘરથાળના પ્લોટની વિનામુલ્યે ફાળવણી કરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ઘરવિહોણા કુટુંબોને પોતાનું ઘર બનાવી શકે તે ઉમદા હેતુથી છેલ્લા એક વર્ષમાં કુલ 566 કુટુંબોને ગામતળના પ્લોટ વિનામૂલ્યે ફાળવવામાં આવ્યા છે.

તેમણે વિશેષમાં જણાવ્યું હતું કે, દેશમાં આગામી ઓલિમ્પિક યોજાવાની સંભાવનાઓને લઈને રાજ્ય સરકાર દ્વારા તાલુકા તથા ગ્રામ્ય સ્તરે સ્થાનિક યુવાઓને પ્રોત્સાહન મળે તે હેતુથી રમત-ગમતની બાબત પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. તેમણે આનંદ વ્યક્ત કરતા કહ્યું હતું કે, કોટડાસાંગાણી તાલુકામાં અદ્યતન રમત-ગમતનું મેદાન બનીને તૈયાર થઈ ગયું છે. જેનો હાલ સ્થાનિક યુવાનો ઉત્તમ રીતે લાભ લઈ રહ્યા છે. જિલ્લામાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી આવેલા કુલ 136 લોકોને ભારતીય નાગરિકતાના પ્રમાણપત્રો એનાયત કરાયા છે. અત્યારે આપણા પાસે આઝાદીના અમૃતકાળમાં દેશને વિકસિત બનાવવાનો સોનેરી અવસર છે. ત્યારે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં ગુજરાત અમૂલ્ય યોગદાન આપી રહ્યું છે, જેમાં આપણે સૌ ભાગીદાર બનીએ.
આ કાર્યક્રમમાં દેશની સ્વતંત્રતા માટે બલિદાન આપનારા રાજકોટના સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિજનોનું સૂતરની આંટીથી અભિવાદન કરવામાં આવ્યું હતું. વિવિધ સરકારી કચેરીઓમાં ઉત્તમ કામગીરી કરનારા 31 જેટલા કર્મયોગીઓનું પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ ન્યુ એરા સ્કૂલ, ક્રિસ્ટલ સ્કૂલ, કોસ્મીક સ્કૂલ, એસ. જી. બદાણી સરસ્વતી માધ્યમિક વિદ્યાલય, સાંદીપની શાળા અને વિઝન સ્કુલના વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીત પર વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, અગ્રણીઓ શ્રી યશવંતભાઈ જનાણી, શ્રી સુશીલભાઈ ત્રિવેદી સહિત અધિકારીઓ, કર્મચારીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતાં.