ચીને ચિંતા વધારી! ગુજરાત સહિત 6 રાજ્ય સરકારો એલર્ટ પર
ચીનમાં બાળકોમાં ઝડપથી વધી રહેલા શ્વાસ સંબંધી રોગને કારણે ભારત સરકારે 6 રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું છે, જેમાં રાજસ્થાન, કર્ણાટક, ગુજરાત, ઉત્તરાખંડ, તમિલનાડુ અને હરિયાણાનો સમાવેશ થયો છે. ચીનમાં બાળકોમાં ન્યુમોનિયાના કેસમાં જબરદસ્ત વધારો થયો છે. આ કારણે, સાવચેતીના પગલા તરીકે આ રાજ્યોમાં હોસ્પિટલો અને આરોગ્ય કર્મચારીઓને શ્વાસની સમસ્યા સાથે આવતા દર્દીઓ સાથે ઝડપથી વ્યવહાર કરવા સૂચના આપવામાં આવી છે. ગુજરાત સરકારે પણ તેના રાજ્યના લોકોને મોસમી ફ્લૂ વિશે જાગૃત રહેવા જણાવ્યું છે. આ ઉપરાંત, મોસમી ફ્લૂના લક્ષણો, જોખમી પરિબળો સામે શું કરવું અને શું ન કરવું તેની યાદી બહાર પાડવામાં આવી છે.
ગુજરાતમાં આરોગ્ય વિભાગ એલર્ટ
આ દરમિયાન, ગુજરાતના આરોગ્ય મંત્રી હૃષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ચીનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોવિડ -19 રોગચાળા દરમિયાન બનાવવામાં આવેલ આરોગ્ય સંભાળ માળખાને સાવચેતીના પગલા તરીકે મજબૂત બનાવવામાં આવી રહ્યું છે. સરકારે અધિકારીઓને તેમની તૈયારીઓની સમીક્ષા કરવા જણાવ્યું છે.
આ દરમિયાન, ઉત્તરાખંડના આરોગ્ય અધિકારીઓને શ્વસન રોગોના કેસોની દેખરેખ વધારવા માટે સૂચના આપવામાં આવી છે. કારણ કે ઉત્તરાખંડના ત્રણ જિલ્લા ચમોલી, ઉત્તરકાશી અને પિથોરાગઢ ચીનની સરહદને અડીને આવેલા છે. હરિયાણાના આરોગ્ય વિભાગની સૂચનાઓમાં એવું કહેવામાં આવ્યું છે કે, જાહેર અથવા ખાનગી હોસ્પિટલોમાં “અસાધારણ શ્વસન રોગો”ના કોઈપણ કેસની તાત્કાલિક જાણ કરવી જોઈએ.
લોકો માટે એડવાઈઝરી જાહેર
લોકોને ખાંસી કે છીંક આવે ત્યારે મોં અને નાક ઢાંકવા, વારંવાર હાથ ધોવા, ચહેરાને સ્પર્શ કરવાનું ટાળવા અને ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે. સ્થાનિક અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે, રાજસ્થાન આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, પરિસ્થિતિ “હાલમાં ચિંતાજનક નથી” પરંતુ તબીબી કર્મચારીઓએ જાગ્રત રહેવું જોઈએ અને ચેપી રોગોના ફેલાવાને રોકવા જોઈએ. રાજસ્થાન સરકારે કહ્યું કે, બાળરોગ એકમો અને તબીબી વિભાગોમાં પૂરતી વ્યવસ્થા થવી જોઈએ.