500 માંથી 500 માર્ક! આવી માર્કશીટ તમે ભાગ્યે જ જોઈ હશે, અમદાવાદની ઈશાનીએ કરી કમાલ
મંગળવારે CBSEનું ધો.12નું જે પરિણામ જાહેર થયું તેમાં અમદાવાદની ઇશાની દેબનાથ નામની વિદ્યાર્થીનીનું પરિણામ પણ આવ્યુ હતું. ઈશાનીના હાથમાં જયારે પરિણામ આવ્યું ત્યારે એક સુખ:દ આંચકો લાગ્યો હતો. આ પરિણામ એવું હતું કે તે જોઇને બધા ચોંકી ઉઠયા હતા.
ઈશાનીએ 500 માંથી 500 ગુણ મેળવ્યા છે. ઈશાનીએ માનવશાસ્ત્રના પાંચેય વિષયો અંગ્રેજી કોર, ઇતિહાસ, રાજકીય વિજ્ઞાન, અર્થશાસ્ત્ર અને મનોવિજ્ઞાનમાં 100 માંથી 100 માર્ક્સ મેળવ્યા છે.
અમદાવાદમાં બોપલ વિસ્તારમાં DPSમાં અભ્યાસ કરતી ઈશાની દેબનાથે કહ્યું કે, બોર્ડ પરીક્ષાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા ઉપરાંત, મેં શાળામાં ભણાવાતા વિષયોનું રિવિઝન કર્યું, મારા ડાઉટ્સ પર સમયસર ધ્યાન આપ્યું, શિક્ષકો દ્વારા આપવામાં આવેલા કાર્યો સમયસર પૂર્ણ કર્યા અને પાછલા વર્ષના પ્રશ્નપત્રોનો સોલ્વ કર્યા હતા.
ઈશાનીએ વધુમાં કહ્યું કે, હવે હું દેશની ટોચની કોલેજમાં પ્રવેશ મેળવીને મનોવિજ્ઞાનનો અભ્યાસ કરવા માંગુ છું. 500 માંથી 500 ગુણ મેળવવામાં શાળાના આચાર્યની પ્રેરણા અને શિક્ષકોનું માર્ગદર્શન મહત્વપૂર્ણ સાબિત થયું. મારા માતા-પિતાએ હંમેશા મને મારા લક્ષ્યો પ્રત્યે દૃઢ રહેવા અને લગનથી કામ કરવા પ્રેરણા આપી છે.
ઈશાનીના પિતા શાંતનુ દેબનાથે *BE, MBA નો અભ્યાસ કર્યો છે અને કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે. ઈશાનીની માતા રાજેશ્વરી દેબનાથ પાસે માસ્ટર ડિગ્રી છે અને તે ગૃહિણી છે. ઈશાનીનો એક ભાઈ છે, જે ડીપીએસ સ્કૂલમાં અભ્યાસ કરે છે.
ઇશાનીના પિતાએ શું કહ્યું
ઈશાનીના પિતા શાંતનુ દેબનાથે જણાવ્યું કે જ્યારે તેમની દીકરીએ ધોરણ 10 માં 97.20 ટકા માર્ક્સ મેળવ્યા હતા, ત્યારે બધાએ તેને વિજ્ઞાન ભણવાનું કહ્યું હતું, પરંતુ માતાપિતા તરીકે અમે તેને ક્યારેય વિજ્ઞાન ભણવાનું કહ્યું નહીં. દીકરી જે વિષયો ભણવા માંગતી હતી તેમાં હંમેશા અમે મદદ કરી છે.
તેના પિતાએ કહ્યું, ‘ઈશાની સ્કૂલ સિવાય ક્યારેય ટ્યુશન ગઈ નથી.’ અભ્યાસ દરમિયાન શાળામાંથી માર્ગદર્શન મળતાં ઈશાની ઘરે ત્રણથી ચાર કલાક અભ્યાસ કરતી હતી. રજાઓના બાકીના સમયે, તે પોતાના બનાવેલા સમયપત્રકનું પાલન કરીને અભ્યાસ કરતી. હવે તેનું લક્ષ્ય દેશની ટોચની કોલેજોમાં પ્રવેશ પરીક્ષા આપવાનું અને મનોવિજ્ઞાનનો અભ્યાસ કરવાનું છે.