રાજસ્થાન, યુપી, દિલ્હીમાં 50 ડિગ્રી તાપમાન, અનેક લોકો બીમાર
ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યો ભયાનાક ગરમીમાં શેકાઈ રહ્યા છે અને નવા રેકોર્ડ થઈ રહ્યા છે. રાજસ્થાન, યુપી અને પંજાબ તથા દિલ્હીમાં પારો 50 ડિગ્રી પર મંગળવારે પહોંચી ગયો હતો. દિલ્હીમાં અનેક સ્થળો પર પારો 50 ડિગ્રી નોંધાયો હતો. એ જ રીતે રાજસ્થાનના ચુરુમા તો 50.5 ડિગ્રીથી લોકો રીતસર બફાઈ ગયા હતા.
રાજસ્થાનમાં ગરમીથી અત્યાર સુધીમાં 48 લોકોના મોત થઈ ગયા છે. અહીં મોટા ભાગના જિલ્લાઓમાં પારો 49 ડિગ્રી રહ્યો હતો. હજુ પણ હીટવેવ ચાલુ જ રહેવાની આગાહી કરવામાં આવી છે.
ઉત્તર પ્રદેશમાં પણ અનેક ભાગોમાં પારો મંગળવારે 50 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. 6 જિલ્લાઓમાં 47 ડિગ્રી તાપમાન રહેતાં લોકો ઘરોમાં જ પુરાઈ રહ્યા હતા. સૌથી વધુ ઝાંસીમાં 49 ડિગ્રી તાપમાન રહ્યું હતું.
ઉત્તર પ્રદેશના ઝાંસી બાદ આગ્રામાં સૌથી વધુ તાપમાન નોંધાયું છે. આગરામાં મંગળવારે તાપમાન 48.6 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે રાજ્યમાં કાનપુરમાં 47.6, વારાણસીમાં 47.6, ફતેહપુરમાં 47.2, ઓરાઈમાં 47.2 અને પ્રયાગરાજમાં 48.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તે જ સમયે, IMD એ આગામી કેટલાક દિવસોમાં કોઈ રાહત મળવાની કોઈ શક્યતા વ્યક્ત કરી નથી.
કાળઝાળ ગરમીને કારણે હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે. ઉત્તર પ્રદેશ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં હાલમાં જીવલેણ ગરમી અને ગરમીના મોજા જોવા મળી રહ્યા છે. વિભાગનું કહેવું છે કે આવી સ્થિતિમાં લોકો માટે તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.
