પુણેથી લોનાવાલા પિકનિક કરવા આવેલા એક જ પરિવારના 5 સભ્યોના તણાઈ જતા મોત : પરિવારમાં શોક
લોનાવાલા માં એક અત્યંત કરુણ ઘટનામાં પુણે થી પિકનિક કરવા આવેલા એક જ પરિવારના પાંચ સભ્યોના ધોધના પાણીમાં તણાઈ જતા મૃત્યુ નીપજ્યા હતા. મૃતકોમાં એક મહિલા અને ચાર બાળકોનો સમાવેશ થાય છે.બનાવની પ્રાપ્ત વિગતો મુજબ પૂણેના સૈયદ નગર વિસ્તારમાં રહેતા મુસ્લિમ પરિવારના 18 સભ્યો વરસાદની ઋતુમાં લોનાવાલા પિકનિક માણવા ગયા હતા.
રવિવારે બપોરે 2:00 વાગ્યાના અરસામાં એ પૈકીના 08:00 થી 10 લોકો ભુશી ડેમના ત્રાબ વિસ્તારમાં પડતા ધોધ નો નજારો નિહાળવા માટે એક ખડક ઉપર ઉભા હતા ત્યારે અચાનક જ ભારે વરસાદને કારણે પાણીનું વેણ વધવા લાગ્યું હતું. પાણી ખડક સુધી પહોંચી જતા બધા સભ્યો પાણીમાં તણાવા લાગ્યા હતા. એ સમયે કિનારે ઊભેલા અન્ય પર્યટકો અને પરિવારજનોએ દોરડા નાખી બધાને બચાવવાની કોશિશ કરી હતી પરંતુ પાંચ સભ્યો પાણીમાં ગળકાવ થઈ ગયા હતા. જ્યારે પાણીની ધપાટો સાથે પાંચ સભ્યો કિનારે ફેકાઈ જતા ઉગરી ગયા હતા.
બાદમાં પોલીસ અને તરવૈયાઓએ કરેલી શોધખોળ દરમિયાન અમીના સલમાન ( ઉ. વર્ષ 13), તેની બહેન ઉમેરા સલમાન (ઉ.વર્ષ 8) અને સહિસ્તા લિયાકત અન્સારી નામની 37 વર્ષની મહિલાના મૃતદેહો હાથ લાગ્યા હતા. બાદમાં અંધકાર અને પાણીના જોરને કારણે શોધ કાર્ય અટકાવી દેવું પડ્યું હતું.એ પરિવારના મારિયા અકીલ સૈયદ (ઉ.વર્ષ 9) અને અબનાન સબાહત અન્સારી (ઉ. વર્ષ 4 ) નામના માસૂમ બાળકોના મૃતદેહો શોધવા માટે સોમવારે નવેસરથી પ્રયત્નો હાથ ધરાયા હતા.