4 દિવ્યાંગ પુત્રીઓ અને પિતા, શું બની હચમચાવતી ઘટના ? જુઓ
દિલ્હીના રંગપુરી વિસ્તારમાંથી શનિવારે અતિ કરૂણ કિસ્સો સામે આવ્યો હતો. અહીં રંગપુરી વિસ્તારમાં એક પિતાએ તેની ચાર દીકરીઓ સાથે સામૂહિક આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઇ હતી. તેની ચારેય દીકરીઓ દિવ્યાંગ હતી. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. જો કે દિવ્યાંગ દીકરીઓને કોઈ સાચવતું નહતું તેવું કારણ પણ બહાર આવ્યું હતું.
આ બનાવની લત્તાવાસીઓએ પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ભાડાના મકાનમાં રહેતા આ લોકોના મૃતદેહોને બહાર કાઢી લેવાયા હતા. સમગ્ર વિસ્તારમાં આ ઘટનાથી ભારે આઘાતની લાગણી છવાઈ હતી.
મૃતક પિતાની ઓળખ 50 વર્ષીય હીરાલાલ તરીકે થઇ હતી અને તે બિહારના વતની હતા. દિલ્હી પોલીસના જણાવ્યાનુાસર હીરાલાલ સુથારીનું કામ કરતા હતા અને તેમની પત્નીનું કેન્સરથી એક વર્ષ પહેલાં જ મૃત્યુ થઈ ગયું હતું. ત્યારબાદ તેમના પરિવારમાં 18 વર્ષની દીકરી નીતુ, 15 વર્ષીય નિશિ, 10 વર્ષીય નીરુ અને 8 વર્ષીય દીકરી નિધિ જ હતા.
આ ચારેય દીકરીઓ દિવ્યાંગ હોવાને કારણે હરીફરી શકતી નહોતી. આ કારણે હીરાલાલને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો હતો. પત્નીના મૃત્યુ બાદ તે પરેશાન રહેવા લાગ્યો હતો. જોકે હજુ સુધી પોલીસને ઘટનાસ્થળેથી કોઇ સ્યુસાઈડ નોટ મળી નથી. પોલીસે આ બારામાં ઊંડી તપાસ શરૂ કરી છે.