કેન્સર સહિતની 36 જીવન રક્ષક દવાઓ સસ્તી થશે : બજેટમાં હેલ્થકેર માટે રૂપિયા 95,958 કરોડની ફાળવણી
બજેટમાં નાણાકીય વર્ષ 2025-26 માટે આરોગ્ય ક્ષેત્રને મજબૂત બનાવવા માટે ₹95,957.87 કરોડ ફાળવ્યા છે, જે ગયા વર્ષના ₹86,582.48 કરોડ કરતા સહેજ વધારે છે. આ આરોગ્ય ક્ષેત્ર માટે એક મોટું પગલું છે, જેમાં સરકારે આરોગ્ય સેવાઓના સુધારણા, વિકાસ અને જાળવણી માટે જરૂરી નાણાકીય જોગવાઈઓ કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આ બજેટમાં દેશની આરોગ્ય વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે ઘણી મહત્વપૂર્ણ યોજનાઓની જાહેરાત કરી છે. કેન્સરની દવા સસ્તી કરી છે અને ૩૬ જીવનરક્ષક દવાઓ સસ્તી થશે.
સરકારે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના માટે ₹9,406 કરોડનું બજેટ નક્કી કર્યું છે. આ અંતર્ગત ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે જરૂરી પગલાં લેવામાં આવશે. આ સાથે, પ્રધાનમંત્રી આયુષ્માન ભારત આરોગ્ય માળખાગત મિશન માટે ₹4,200 કરોડ ફાળવવામાં આવ્યા છે.
મેડિકલ કોલેજની બેઠકો વધશે
તબીબી શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરતા, સરકારે જાહેરાત કરી છે કે દર વર્ષે તબીબી કોલેજોમાં 10 હજાર નવી બેઠકો ઉમેરવામાં આવશે. આ ઉપરાંત, આગામી 5 વર્ષમાં 75 હજાર વધુ બેઠકો ઉમેરવામાં આવશે. આ મેડિકલની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને ઘણો ફાયદો થશે.