- એમ્યુઝમેન્ટ પાર્ક એસોશિએશન જોતું રહી ગયું અને ખાનગી મેળાના રાઇડ્સ સંચાલકે બાજી મારી
રાજકોટ : રાજકોટ જિલ્લા વહીવટીતંત્રને બાનમાં લેવાનો પ્રયાસ કરી લાંબા સમયથી યાંત્રિક આઇટમોની હરારજીનો બહિષ્કાર કરી રહેલા રાઇડ્સ સંચાલકોને સોમવારે જોરદાર ઝટકો લાગ્યો છે, રાજકોટના ખાનગી મેળામાં રાઇડ્સ લગાવતા ધંધાર્થીએ સોમવારે સાંજે યાંત્રિક આઇટમો માટેના 31 પ્લોટ માટે 1.27 કરોડની બોલી લગાવી તમામ પ્લોટ્સમાં ગુજરાત સરકારની એસઓપી મુજબ અને નિયમ પાલન સાથે ભાવવધારા વળગર જ રાઇડ્સ લગાવવા સહમતી આપતા લોકમેળા સમિતિએ તમામ પ્લોટ્સ માટે મંજૂરી આપી છે, બીજી તરફ આઈસ્ક્રીમના ચોકઠાં માટે નાટક કરનાર ધંધાર્થીઓંનો છેદ ઉડાવી દઈ ડાયરેક્ટ કંપનીનો સંપર્ક સાધી લોકમેળામાં આઈસ્ક્રીમના તમામ સ્ટોલ ફાળવવાની પ્રક્રિયા પણ ચાલુ કરી દેવામાં આવી છે.
આગામી તા.24થી 28 ઓગસ્ટ દરમિયાન રાજકોટના રેષકોર્ષ મેદાન ખાતે યોજાનાર લોકમેળામાં ચકડોળ, ફજત ફાળકા સહિતની રાઇડ્સ મુદ્દે ગુચવાયેલ કોકડું અંતે ઉકેલાઈ ગયું છે. સોમવારે લોકમેળા સમિતિએ યાંત્રિક આઇટમોના 31 પ્લોટની હરરાજી કરતા રાજકોટના આજ અલગ-અલગ ખાનગી મેળાઓમાં રાઇડ્સ લગાવતા ધંધાર્થીઓ અને લોકમેળામાં રાઇડ્સ લગાવતા ધંધાર્થીઓ હાજર રહ્યા હતા જે પૈકી એમ્યુઝમેન્ટપાર્ક એસોસિએશનના નેજા હેઠળ શરૂઆતથી જ વિરોધ કરતા ધંધાર્થીઓએ સોમવારે પણ વિરોધ કરી એસઓપી હળવી કરવા માંગ કરી હરરાજીમાંથી ખસી જતા ખાનગી મેળાના ધંધાર્થી અને બિલ્ડર લાઈનના અનુભવી વિરેન્દ્રસિંહ ગોહિલ અને તેમની ટીમના અન્ય સભ્યોએ લોકમેળાના તમામ 31 પ્લોટ માટે 1.27 કરોડની બોલી લગાવી તમામ પ્લોટ હસ્તગત કરી લઈ નિયમ મુજબ નાણાં ભરપાઈ કરવાંની તૈયારી દર્શાવતા તંત્રએ આ ઓફરને આવકારી હતી.
ઉલ્લેખનીય છે કે, રાજકોટની ગેમઝોન અગ્નિકાંડ દુર્ઘટના બાદ ગુજરાત સરકાર દ્વારા તમામ લોકમેળામાં એનડીટી રિપોર્ટ, સોઇલ ટેસ્ટિંગ, ફાઉન્ડેશન સહિતના નિયમો અમલી બનાવતા રાજકોટ એમ્યુઝમેન્ટ પાર્ક એસોસીએશનના નેજા હેઠળ રાજકોટના રાઇડ્સના ધંધાર્થીઓ દ્વારા આ નિયમોનો વિરોધ કર્યો હતો. જો કે, લોકમેળામાં 31 પ્લોટ માટે 1.27 કરોડની બોલી લગાવનાર વિરેન્દ્રસિંહ ગોહિલે એક પ્લોટમાં નિયમ મુજબ એક જ રાઇડ્સ લગાવવાની સાથે સરકારના તમામ નિયમોનું પાલન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
બીજી તરફ સોમવારે ખાણી પીણી કોર્નરના બે પ્લોટની પણ હરરાજી કરવાંમાં આવી હતી અને આઈસ્ક્રીમના ચોકઠાં માટે ધંધાર્થીઓ દ્વારા સ્ટોલ ઘટાડવા અથવા તો અપસેટ પ્રાઈઝ ઘટાડાની માંગણીને લોકમેળા સમિતિએ ફગાવી દીધી હોવાનું અને હાલમાં આઈસ્ક્રીમ કંપનીઓએ સાથે સીધી વાતચીત ચાલુ હોવાનું સીટી પ્રાંત અધિકારી ડો.ચાંદની પરમારે જણાવ્યું હતું.