26/11 હુમલાનો ષડ્યંત્રકાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત
વૈશ્વિક આતંકવાદીની યાદીમાં હતો સામેલ : ટેરર ફંડિંગ સંભાળતો હતો
26/11ના મુંબઈ હુમલાના ગુનેગાર અને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના નાયબ ચીફ અબ્દુલ રહેમાન મક્કીનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે. મક્કી હાફિઝ સઈદનો સંબંધી અને સંગઠનના ટેરર ફંડિંગનો વડા હતો. તેને અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો.
મક્કી વૈશ્વિક આતંકવાદીની યાદીમાં સામેલ હતો. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) એ મક્કીને 1267 ISIL (Da’esh) અને અલ-કાયદા પ્રતિબંધ સમિતિ હેઠળ સૂચિબદ્ધ કર્યા હતા. આ કારણે તેની મિલકતો સ્થગિત કરવામાં આવી હતી, સાથે જ મુસાફરી પર પ્રતિબંધ અને હથિયાર રાખવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.
અબ્દુલ રહેમાન મક્કીએ લશ્કર-એ-તૈયબાની રાજકીય પાંખનું નેતૃત્વ કર્યું હતું. આ સિવાય તે જમાત-ઉદ-દાવાનો વડા પણ હતો. તેઓ લશ્કરના વિદેશી સંબંધો વિભાગના વડા પણ હતા. ભારતમાં મોટા આતંકવાદી હુમલાઓમાં અબ્દુલ રહેમાન મક્કીની સીધી ભૂમિકા હોવાનું માનવામાં આવતું હતું.
અબ્દુલ રહેમાન મક્કીને 16 જાન્યુઆરીના રોજ ISIL અને અલ કાયદા સાથે સંકળાયેલા હોવા અને આતંકવાદને ફન્ડિંગ, કાવતરામાં ભાગીદારી, લશ્કર-એ-તોયબા દ્વારા અથવા તેના સમર્થન સાથે ભરતી જેવી પ્રવૃત્તિઓમાં સામેલ હોવા બદલ સૂચિબદ્ધ કરવામાં આવ્યો હતો. મક્કી લશ્કરની રાજકીય પાંખ જમાદ ઉદ દાવાનો ચીફ પણ હતો. તે લશ્કરના વિદેશી સંબંધો વિભાગનો વડા રહી ચૂક્યો છે.