VIDEO : રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના નામે 20,000નો ‘તોડ’! વારંવાર પૈસા પડાવવા માટે ટેવાયેલા શખ્સે ફરી લખણ ઝળકાવ્યા’ને પકડાયો
રાજકોટ તેમજ ગોંડલમાં એક નહીં બલ્કે અનેક વખત પોલીસના નામે `તોડ’ કરી પકડાઈ ચૂકેલા શખસે ફરીવાર ક્રાઈમ બ્રાન્ચના નામે 20,000 પડાવી લેતા પોલીસે `રાબેતા મુજબ’ તેને પકડી પાડ્યો હતો.
આ અંગે કોઠારિયા સોલવન્ટ પાસે બરકતીનગરમાં રહેતા સમીર ગુણુભાઈ મુલતાનીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તે તેના ગામ કટુડા (સુરેન્દ્રનગર)થી રાજકોટ એસ.ટી.બસમાં આવ્યો હતો. સાંજે સાતેક વાગ્યે તેણે બસ સ્ટેન્ડની બહાર નીકળી ભૂતખાના ચોકથી કોઠારિયા સોલવન્ટ જવા માટે રિક્ષામાં બેઠો હતો. રિક્ષા જેવી નાગરિક બેન્ક ચોકમાં પહોંચી કે અચાનક જ સફેદ રંગનું સ્કૂટર લઈને એક શખસ ધસી આવ્યો હતો અને તેણે પોતે `હું એલસીબી ક્રાઈમમાં છું અને પોલીસ છું’ કહી સમીરને રિક્ષામાંથી નીચે ઉતારી રિક્ષાવાળાને રવાના કરી દીધો હતો.
આ પછી સમીરને કહ્યું હતું કે તારા ઉપર કેસ થયો છે, તારા ટાંટીયા ભાંગી જશે, તું પૂરો થઈ જઈશ તેમ કહી સ્કૂટરમાં બેસાડી ફેરવ્યો હતો. અંતે ઢેબર રોડ પર સ્વામિનારાયણ મંદિર પાસે પાણીના ટાંકા નજીક ઉતારી કેસ પતાવી દેવો હોય તો 20,000 આપવા પડશે કહીને પાકિટમાંથી 20,000 કાઢી લીધા હતા. આ પછી સવારે ક્રાઈમ બ્રાન્ચે સહી કરવા આવવું પડશે કહીને રવાના થઈ ગયો હતો.

ત્યારબાદ સમીરને ધ્યાન પર આવ્યું હતું કે પૈસા પડાવી ગયેલો શખસ મીહિર કુગશિયા છે જેણે વારંવાર આ પ્રકારે પૈસા પડાવ્યા હોય પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ પછી માલવિયાનગર પોલીસે મીહિરને દબોચી લીધો હતો.
વારંવાર પોલીસને `ડાઘ’ લગાડતાં મીહિરનું સરઘસ કાઢવામાં કોની શરમ નડતી હશે ?
રાજકોટ તેમજ ગોંડલમાં પોલીસના નામે મીહિર કુગશિયાએ અનેક વખત તોડ કરીને લોકોને રંજાડ્યા છે. જો કે ફરિયાદ થાય એટલે ફટાફટ તેની ધરપકડ કરી લઈ કાયદાકીય પ્રક્રિયાનો લાભ આપી જામીન પણ આપી દેવામાં આવતા હોવાનું ધ્યાન પર આવ્યું છે ત્યારે વારંવાર ખાખીને ડાઘ લગાડતાં આવા અલેલટપ્પુનું શા માટે પોલીસ દ્વારા જાહેરમાં સરઘસ કાઢવામાં આવી રહ્યું નથી કે મીહિર એક નકલી પોલીસ છે તેમ કહીને શા માટે જાહેરમાં ઓળખ પરેડ કરાવવામાં આવતી નથી ? શું પોલીસને કોઈની શરમ નડતી હશે કે પછી મીહિરના `તોડપાણી’માં કોઈ અંદરનું પણ સંડોવાયેલું હશે ? આ સહિતના પ્રશ્નો પોલીસ દ્વારા મીહિરને કાયદાકીય પાઠ ભણાવવામાં આવી રહ્યો ન હોવાને કારણે ઉઠી રહ્યા છે.
