આજે ૨૦૦૦ની નોટ ભૂતકાળ બની જસે
રીઝર્વ બેન્કે આપી હતી 30 સપ્ટેમ્બરની ડેડલાઈન
નોટ હજુ લીગલ ટેન્ડર તરીકે રહેવાની છે તેથી RBIએ રસ્તો કાઢવો પડશે
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ લોકોને 2000 રૂપિયાની ગુલાબી કરન્સી નોટ બેન્કમાં જમા કરાવવા અથવા એક્સચેન્જ કરાવી લેવા કહ્યું હતું તેની ટાઈમલિમિટ પૂરી થવાની તૈયારીમાં છે. જેની પાસે આ નોટ હોય તેને 30 સપ્ટેમ્બર સુધીમાં એટલે કે આજના દિવસમાં તેનો નિકાલ કરવાનો રહેશે. મોટા ભાગના લોકોએ પોતાની પાસે હવે 2000 રૂપિયાની કોઈ નોટ રાખી નથી. ATMમાંથી પણ મહિનાઓથી 2000 રૂપિયાની નોટ નીકળતી નથી તેથી આ નોટ હવે વ્યવહારમાં જ નથી તેમ કહી શકાય.
RBIના ગવર્નરને પૂછવામાં આવ્યું હતું કે 30 સપ્ટેમ્બર પછી કોઈની પાસે આ નોટ હોય તો શું કરવું? આ વિશે ગવર્નરે કહ્યું કે તેઓ અટકળો આધારિત સવાલોનો જવાબ નથી આપવા માગતા. અમે એમ નથી કહ્યું કે 30 સપ્ટેમ્બર પછી આ નોટ લીગલ ટેન્ડર નહીં રહે. રિઝર્વ બેન્કે એક ડેડલાઈન એટલા માટે ફિક્સ કરી હતી જેથી લોકો તેને ગંભીરતાથી લે અને નોટ એક્સચેન્જ કરાવી દે.
મહત્ત્વની વાત એ છે કે 30 સપ્ટેમ્બરની ડેડલાઈન પછી મળી આવતી 2000 રૂપિયાની નોટનું શું કરવું તે વિશે રિઝર્વ બેન્કે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી. અહીં એ યાદ રાખવું જોઈએ કે 2000ની નોટ હવે લીગલ ટેન્ડર નહીં રહે તેમ આરબીઆઈએ નથી કહ્યું. એટલે કે ડેડલાઈન વીતી ગયા પછી પણ તે કાયદેસરની નોટ ગણાશે જ.
30 સપ્ટેમ્બર પછી શું થશે?
ધારો કે કોઈ વ્યક્તિ પાસે 30 સપ્ટેમ્બર પછી પણ 2000 રૂપિયાની નોટ છે. તેણે આ નોટ ડિપોઝિટ નથી કરાવી તથા એક્સચેન્જ પણ નથી કરાવી. એટલે કે રિઝર્વ બેન્કે આવી વ્યક્તિને કોઈ એવો ઓપ્શન ઉપલબ્ધ કરાવવો પડશે જેથી તે આ નોટની વેલ્યૂને વટાવી શકે.
શક્ય છે કે 30 સપ્ટેમ્બર પછી આ નોટથી ટ્રાન્ઝેક્શન નહીં થઈ શકે, પરંતુ તેને બેન્ક ખાતામાં જમા કરાવી શકાશે. જો 2000ની નોટ લીગલ ટેન્ડર ન રહે તો લોકોને તકલીફ પડશે. આરબીઆઈ આવું નહીં ઈચ્છે. તેથી ડેડલાઈન પછી પણ કેવાયસી થયેલા એકાઉન્ટમાં 2000ની નોટ જમા કરવાની સુવિધા આપી શકે છે.
આરબીઆઈએ ક્લીન નોટ પોલિસી તરીકે 2000ની નોટ પરત ખેંચી છે. 2013-14માં પણ આવી એક કવાયત કરવામાં આવી હતી જેમાં 2005 અગાઉની નોટ પરત ખેંચી લેવાઈ હતી. આ નોટ લીગલ ટેન્ડર તરીકે જળવાઈ રહી છે અને આરબીઆઈની ચોક્કસ ઓફિસ પર તેને એક્સચેન્જ કરાવી શકાય છે.
આરબીઆઈની પોતાની ઓફિસ પર તમે પર્સનલ આઈડી અને સરનામાના પૂરાવા આપીને કદાચ નોટ એક્સચેન્જ કરાવી શકશો. રિઝર્વ બેન્કની 19 રિજનલ ઓફિસ પર એક્સચેન્જની સુવિધા ઉપલબ્ધ છે. જોકે, બાકીની બેન્કો આરબીઆઈની સ્પષ્ટતા વગર કદાચ લોકો પાસેથી 2000ની ચલણી નોટો નહીં સ્વીકારે.