રાજકોટના ઉદ્યોગપતિ સાથે આસામ સરકારના નામે રૂ.૧૮.૮૮ કરોડની ઠગાઇ
રાજકોટની સબમર્સીબલ પમ્પ બનાવતી કંપની સાથે આસામ સરકારના નામે એમઓયુ કરી રૂા.૧૮.૮૮ કરોડની છેતરપિંડી કરવામાં આવતા રાજકોટના ઉદ્યોગપતિએ આ મામલે આસામ અને ઉત્તરપ્રદેશના ૬ શખસો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો છે. આસામ સરકારના નામે ખોટા એમઓયુ કરીને આ છેતરપિંડી કરવામાં આવી હતી.
રાજકોટના કોઠારિયા રોડ પર ભૂવનેશ્વર ઈન્ડસ્ટ્રીઝ એરિયામાં એક્યુબ એન્જિટેક કંપની નામે પેઢી ચલાવતા અને ખોખળદડ ગામે રહેતા આશિષભાઈ ધીરજલાલ દેસાઈએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મનિષ વિશ્વકર્મા, સમરીન તેન્સર, પવનકુમાર શર્મા સહિતના શખસોના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ આ ટોળકીએ પૂર્વઆયોજિત કાવતરું રચી આશિષભાઈ તથા સતિષભાઈ સાથે ફોન ઉપર વાતચીત કરી પ્રિન્સિપલ સેક્રેટરી માટક ઓટો નોમ્સ કાઉન્સિલ ડીબ્રુગઢના ખોટા સહી-સિક્કા કરી આસામ સરકારના નામે ૩૫ હજાર મોટર પમ્પ જેની કિંમત રૂા.૮૭.૫૦ કરોડનો બોગસ ઓર્ડર તૈયાર કર્યો હતો અને કંપની સાથે એમઓયુ કરી રાજકોટની સબ મર્સીબલ કંપની પાસેથી રૂા.૧૪.૧૫ કરોડની ૫૬૬૦ મોટર તેમજ સિક્યોરિટી ડિપોઝીટ પેટે ૨.૫૪ કરોડ તેમજ સેમ્પલ સમયે રૂા.૧.૩૧ કરોડ રૂપિયા લીધા હતા તેમજ માલની સપ્લાય ચાલુ કરવા માટે રૂા.૮૫ લાખ મળી રૂા.૪.૩૦ કરોડ પડાવ્યા હતા તેમજ મનિષ વિશ્વકર્મા અને તેની ટોળકીએ ક્નસલટન્સી ચાર્જ પણ ૪૩.૭૫ લાખ મળી કુલ ૧૮.૮૮ કરોડની છેતરપિંડી કરી વાયદાઓ કરી માલના રૂપિયા નહીં આપી વિશ્વાસઘાત કર્યો હતો. સબમર્સીબલ પમ્પ બનાવી રાજકોટની આ કંપની ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક અને મધ્યપ્રદેશ ઉપરાંત તેલંગાણામાં વેચાણ કરતી હોય જેથી આ કંપની સાથે આસામ સરકારના નામે એમઓયુ કરી ૬૫ હજાર વોટર પમ્પનો ઓર્ડર છે તેવું કહી વિશ્વાસમાં લઈ રૂબરૂ ગોવાહાટી ઓફિસે બોલાવીને મિટિંગ કરી હતી અને આ ટોળકીએ ક્નસલટન્સી ચાર્જ તરીકે પોતાને ત્રણ ટકા આપવા પડશે તેવું પણ કહ્યું હતું અને ૧ ટકા રકમ કંપનીની પ્રોડક્ટની માન્યતા આવ્યા પછી આપવાના રહેશે. આમ, આસામ સરકારના નામે છેતરપિંડી કરનારા ટોળકીના ૬ સભ્યો સામે ગુનો નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.