એડલ્ટ ફિલ્મ નિહાળતા 14 વર્ષના પુત્રની પિતાએ ઠંડે કલેજે હત્યા કરી, વાંચો
હત્યા કર્યા બાદ લાશ નાળામાં ફેંકી દીધી
મહારાષ્ટ્રના સોલાપુરમાં એક અત્યંત આઘાતજનક ઘટનામાં એક પિતાએ એડલ્ટ ફિલ્મની આદત ધરાવતા પોતાના 14 વર્ષના પુત્રની હત્યા કરી નાખી હતી. પોલીસના જણાવ્યા મુજબ સોલાપુરમાં બે પુત્રો અને પત્ની સાથે રહેતા વિજય બટ્ટુ નામના શખ્સે 13મી જાન્યુઆરીએ પોતાનો 14 વર્ષનો પુત્ર વિશાલ લાપતા બની ગયો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. બાદમાં પોલીસ તપાસ દરમિયાન એ બાળકની લાશ તેના ઘર નજીકના નાળામાંથી જ મળી આવી હતી. પોસ્ટમોર્ટમમાં તેના શરીરમાં સોડિયમ નાઇટ્રેટની હાજરી જણાવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ આગળ ધપાવી હતી.
પોલીસની પૂછપરછ દરમિયાન વિજય બટ્ટુની કેફિયતમાં વિસંગતતા જણાતા તે શંકાના પરીઘમાં આવી ગયો હતો અને પોલીસે કરેલી આખરી પૂછપરછ માં ભાંગી પડ્યા બાદ પોતે જ પુત્રની હત્યા કર્યા હોવાની કબુલાત આપી હતી.
વિજયના જણાવ્યા મુજબ તેનો પુત્ર સ્કૂલમાં અન્ય વિદ્યાર્થીઓ સાથે ઝઘડા કરતો, ભણવામાં ધ્યાન ન આપતો અને સતત એડલ્ટ ફિલ્મ જોયે રાખતો હતો. અંતે તેનાથી છુટકારો મેળવવા માટે વિજય તેને ઠંડુ પીણું પીવડાવવા માટે લઈ ગયો હતો અને પીણામાં સોડિયમ નાઇટ્રેટ ભેળવી પીવડાવી દીધું હતું. પુત્ર મૂર્છિત થઈ ગયા બાદ વિજય તેને નાળામાં ફેંકી દીધો હતો. પોલીસે પુત્રની હત્યાના આરોપસર પિતાની ધરપકડ કરી હતી.