મોરબી રોડ, મવડી અને ગોંડલમાં રિયલ એસ્ટેટમાં તેજી-તેજી
નવી જંત્રી અમલી બને તે પૂર્વે દસ્તાવેજ નોંધણી માટે ધસારો : સરકારને એક માસમાં 83 કરોડની આવક
રાજકોટ : રાજ્યમાં 15 એપ્રિલથી નવી જંત્રી અમલી બને તેવા હાઉ વચ્ચે દસ્તાવેજ નોંધણી માટે ધસારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રાજકોટ જિલ્લામાં હાલમાં ગોંડલ, રાજકોટના મોરબી રોડ તેમજ મવડી વિસ્તારમાં જમીન-મકાનના મોટા પ્રમાણમાં સોદા પડી રહ્યા હોવાનું સામે આવ્યું છે. એપ્રિલ માસ દરમિયાન રાજકોટ જિલ્લામાં 13041 દસ્તાવેજની નોંધણી થઇ હતી. જેમાં સરકારને સ્ટેમ્પ ડયુટી અને નોંધણી ફી પેટે રૂપિયા 83 કરોડથી વધુની આવક થઇ હતી.
નવી જંત્રી અમલી બનવાની દહેશત વચ્ચે રાજકોટ શહેર અને જિલ્લામાં હાલમાં મંદીના માહોલમાં પણ રિયલ એસ્ટેટક્ષેત્રે ધૂમ સોદા પડી રહ્યા છે. એપ્રિલ માસ દરમિયાન રાજકોટ શહેર-જિલ્લામાં આવેલી 18 સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં જમીન, મકાન, મોર્ગેજ સહિતના કુલ 13041 દસ્તાવેજની નોંધણી થઇ હતી જે પેટે સરકારને નોંધણી ફી પેટે રૂપિયા 11,95,35,112 તેમજ સ્ટેમ્પ ડયુટી પેટે રૂપિયા 71,59,86,840 મળી કુલ રૂપિયા 83,55,21,952ની આવક થઇ હતી. નોંધનીય છે કે, એપ્રિલ મહિનામાં સૌથી વધુ દસ્તાવેજ મોરબી રોડ સબ રજિસ્ટ્રાર કચેરીમાં 1712, મવડીમાં 1399 અને ગોંડલમાં 1153 દસ્તાવેજની નોંધણી થઇ હતી.
