દિલ્હીમાં ભોંયરામાં ધમધમતા 13 આઈ.એ.એસ. કોચિંગ સેન્ટર સિલ
ત્રણ છાત્રોના મોત બાદ તંત્રે આળસ ખંખેરી
દિલ્હીમાં શનિવારે જૂના રાજેન્દ્રનગરમાં રાવ આઈએએસ કોચિંગ સેન્ટરના ભોંયરામાં પાણી ભરાતા ડૂબી જવાથી ત્રણ વિદ્યાર્થીઓના કરુણ મૃત્યુ થયા બાદ સફાળા જાગેલા મ્યુનિસિપલ તંત્રએ બેઝમેન્ટમાં ગેરકાયદે ચાલતા તેર કોચિંગ સેન્ટર સીલ કરી દીધા હતા.
આ કેસમાં રવિવારે કોચિંગ સેન્ટરના માલિક અભિષેક ગુપ્તા અને કો ઓર્ડીનેટર ડી. પી.સિંઘ ની ધરપકડ કર્યા બાદ પોલીસે સોમવારે વધુ પાંચ શખ્સોની પૂછપરછ માટે અટકાયત કરી હતી.બીજી તરફ વિદ્યાર્થીઓએ સતત બીજા દિવસે સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધમાં દેખાવો ચાલુ રાખ્યા હતા.
આ ઘટના માટે ઘોર બેદરકારી તેમ જ કાયદાનું ખુલ્લું ઉલ્લંઘન જવાબદાર હોવાનું સ્પષ્ટ બન્યું છે.રાવ એકેડેમીને ભોંયરાનો સ્ટોર રૂમ તરીકે ઉપયોગ કરવાની મંજૂરી મળી હતી પણ સંચાલકોએ ત્યાં લાયબ્રેરી શરૂ કરી દીધી હતી.આ ઘટનાની તપાસ કરનાર એક અધિકારીએ જણાવ્યું હતું કે જો બહાર નીકળવાનો રસ્તો ખુલ્લો રાખવામાં આવ્યો હોત તો વિદ્યાર્થીઓ નીકળી શકયા હોત અને તો જાનહાનિ અટકાવી શકાઇ હોત. તેમણે કહ્યું કે મુનીસિપલ કોર્પોરેશન માત્ર પ્લાન પાસ કરવાની જ કામગીરી બજાવે છે.જો કોઈ ભોંયરા નો ઉપયોગ સ્ટોર રૂમ કે પાર્કિંગ માટે જ કરવાનું જાહેર કરે અને પછી કોમર્શિયલ ઉપયોગ શરૂ કરી દે તો તેમાં મનપા શું કરી શકે તેવો તેમણે વાહિયાત બચાવ કર્યો હતો.
ભાજપ અને આપ બન્ને એક બીજાને ખો આપવામાં મગ્ન
આ કરુણ દુર્ઘટના માટે દિલ્હીની કેજરીવાલ સરકાર જવાબદાર છે તેવા આક્ષેપ સાથે ભારતીય જનતા પક્ષના મહિલા મોરચાના કાર્યકરોએ સોમવારે આપ ની ઓફિસ સામે દેખાવો કર્યા હતા.દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન દિલ્હી સરકાર હેઠળ આવે છે અને સરકારની ઘોર બેદરકારીએ ત્રણ જિંદગીનો ભોગ લીધો છે એવો ભાજપે આક્ષેપ કર્યો હતો.બીજી તરફ આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંઘે કહ્યું કે અધિકારીઓ દિલ્હીના લેફ્ટેનન્ટ ગવર્નરના તાબામાં છે.કમિશનરની નિમણુક એલજી કરે છે.અધિકારીઓ કેજરીવાલ સરકારના મંત્રીઓના આદેશોનું પણ પાલન નથી કરતા.આ સંજોગોમાં આ દુર્ઘટના માટે એલજી અને કેન્દ્ર સરકાર જ જવાબદાર હોવાનો તેમણે વળતો આક્ષેપ કર્યો હતો.
એક વિદ્યાર્થીએ ત્રણ વખત ફરિયાદ કરી હતી પણ કોઈએ સાંભળ્યું નહિ
રાવ એકેડમીમાં જ અભ્યાસ કરતાં કિશોર સિંઘ કુશવાહ નામના વિદ્યાર્થીએ ભોયરામાં ગેરકાયદે ચાલતી લાઇબ્રેરી અને તેને કારણે વિદ્યાર્થીઓની સલામતી ઉપર સર્જાયેલા જોખમ અંગે કેન્દ્ર સરકાર,રાજ્ય સરકાર અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનને લેખિત ફરિયાદ કરી હતી. તેણે એ ફરિયાદમાં કોઈ મોટી દુર્ઘટના સર્જવાનો ભય પણ વ્યક્ત કર્યો હતો. ત્યાર બાદ તા. 15 જુલાઈ અને 22 મી જુલાઇએ તેણે વધુ બે વખત રિમાઇન્ડર મોકલ્યા હતા અને તાત્કાલિક પગલા લઇ કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલા આ લાઇબ્રેરી બંધ કરાવવા વિનંતી કરી હતી.આ આ ફરિયાદ અંગેની મેટર પ્રોસેસ હેઠળ હોવાનો ફરિયાદ પોર્ટલ ઉપર તેને જવાબ આપવામાં આવ્યો હતો. પણ એ પ્રોસેસ શરૂ થાય અથવા તો પૂરી થાય એ પહેલા તો આ દુર્ઘટના બની ગઈ અને ત્રણ અમૂલ્ય માનવ જિંદગીનો ભોગ પણ લેવાઈ ગયો છે. કાશ! આ તંત્રોએ આ વિદ્યાર્થીની ફરિયાદને ગંભીરતાથી લઈ પગલાં લીધા હોત તો ત્રણ આશાસ્પદ જિંદગીઓ બચાવી શકાઇ હોત.
ભોયરમાં ગેરકાયદે ચાલતા આ કોચિંગ ક્લાસ સીલ કરાયા
આઈએએસ ગુરુકુળ
ચહલ એકેડેમી
પ્લુટુસ એકેડેમી
સાઇ ટ્રેડિંગ
આઈએએસ સેતુ
ટોપર્સ એકેડેમી
દૈનિક સંવાદ
સિવિલ ડેઇલી આઇએએસ
કેરિયર પાવર
99 નોટસ
વિદ્યા ગુરુ
ગાઈડન્સ આઈએએસ
ઇઝી ફોર આઈએએસ