બિહારમાં 12 મો પૂલ તૂટી પડ્યો : કોઈ જાનહાનિ થઈ નથી
બિહારમાં બ્રિજ ધસી જવા કે તૂટી પડવાની ઘટનાઓનો સિલસિલો હજુ યથાવત્ છે. માત્ર 17 દિવસના સમયગાળાની અંદર જ 12મો બ્રિજ ધસી પડવાની ઘટના સામે આવતા નીતિશ કુમાર સરકાર મુશ્કેલીમાં મુકાઇ ગઈ છે. ગુરુવારે બ્રિજ ધસી પડવાની ઘટના બિહારના સારણ જિલ્લામાં બની હતી. છેલ્લા 24 કલાકમાં સતત 3 બ્રિજ ધસી થવાની ઘટના બાદ આ નવી ઘટના સામે આવી હતી. સારણ જિલ્લાના ડીએમ અમન સમીરે ખુદ આ માહિતી આપી હતી.
આ બ્રિજ સારણ જિલ્લાને સીવાન જિલ્લા સાથે જોડતો હતો. આ બ્રિજ 15 વર્ષ જૂનો હતો અને તેને ગંડકી નદી પર બાંધવામાં આવ્યો હતો. જોકે સદભાગ્યે આ દુર્ઘટનામાં પણ કોઈ જાનહાનિ થઇ નહોતી. આ બ્રિજ કેમ ધસી પડ્યો તે હજુ તપાસનો વિષય છે પરંતુ અધિકારીઓનું કહેવું છે કે આ વિસ્તારમાં ડેસિલ્ટિંગ એટલે કે કચરો હટાવવાની કામગીરી ચાલી રહી હતી જેના પગલે આ ઘટના બની હોઈ શકે છે.
બિહારમાં પૂલ તૂટી જવાની ઘટનાઓ વધી છે ત્યારે નીતિશ કુમારે પણ હવે આ બાબતને ગંભીરતાથી લીધી છે અને બેઠકો શરૂ કરીને સૂચનાઓ આપી છે. બાકીના બીજા પૂલની હાલત શું છે તેની તપાસ શરૂ થઈ છે.