GSTમાં 12 ટકાનો સ્લેબ થઈ શકે છે દૂર, જાણો કઈ વસ્તુઓ થશે સસ્તી
સરકાર GSTને લઈને એક મોટી યોજના બનાવી રહી છે. અને તેના અંતર્ગત મધ્યમ વર્ગ અને ઓછી આવક ધરાવતા લોકોને રાહત મળી શકે છે. એક અહેવાલ અનુસાર ટૂંક સમયમાં GSTમાં મોટી રાહત મળી શકે છે અને કેન્દ્ર સરકાર GST દરોમાં ઘટાડો કરી શકે છે તેમ સરકારી સૂત્રોએ જણાવ્યું છે. મોદી સરકાર સ્લેબમાં ફેરફાર કરવાનું ગંભીરતાથી વિચારી રહી છે અને 12 ટકા સ્લેબ હવે ઘટીને 5 ટકા થઈ શકે છે. દૂધથી લઈને પનીર અને કપડાં સહિતની અનેક ચીજો સસ્તી થઈ શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર આવા માલ પર રાહત આપી શકે છે. જેનો ઉપયોગ સામાન્ય રીતે મધ્યમ અને ઓછી આવક ધરાવતા પરિવારોમાં થાય છે અને 12 ટકા ટેક્સ સ્લેબ હેઠળ આવે છે. આ પહેલા પણ આવી રાહત આપવાની ભલામણ થઈ હતી.

સરકાર હવે વિચારી રહી છે કે આમાંના મોટા ભાગના માલને કાં તો 5% ટેક્સ સ્લેબમાં ટ્રાન્સફર કરી શકાય છે અથવા તેના પર લાગુ 12% સ્લેબને નાબૂદ કરી શકાય છે. નોંધનીય છે કે રોજિંદા જીવનમાં વપરાતી મોટાભાગની વસ્તુઓ આ સ્લેબમાં આવે છે.
આ પણ વાંચો : હવે તમે પોતના જ સ્કૂટર-બાઈકથી પણ પૈસા કમાઈ શકશો : સરકારે ખાનગી વાહનોનો ટેક્સી તરીકે ઉપયોગ કરવાની છૂટ આપી

GST કાઉન્સિલની આગામી 56મી બેઠકમાં આ અંગે મોટો નિર્ણય લેવામાં આવી શકે છે અને આ મહિને કાઉન્સિલની બેઠક યોજાઈ શકે છે. જો સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવે તો જૂતા, ચંપલ, મીઠાઈ, કપડાં, સાબુ, ટૂથપેસ્ટ અને ડેરી ઉત્પાદનો જેવી ઘણી વસ્તુઓ જે હાલમાં 12% સ્લેબમાં છે તે સસ્તી થઈ શકે છે.