જે એન્ડ કે માં હજુ 119 આતંકવાદી સક્રિય: સ્થાનિક 24, પાકિસ્તાની 85
આ વર્ષે અત્યારસુધીમાં આતંકવાદી હુમલાની 25 ઘટના
61 આતંકવાદી નો ખાતમો, 24 જવાનો શહીદ
જમુ અને કાશ્મીરમાં કુલ 119 આતંકવાદી સક્રિય હોવાનું ઇન્ડિયા ટુડે ના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. કાશ્મીરમાં કાઉન્ટર ટેરેરિઝમના કડક પગલાઓને કારણે સ્થાનિક આતંકવાદીઓની ભરતીમાં ઘટાડો થયો હોવાનું પણ તેમાં જણાવવામાં આવ્યું છે.
અહેવાલ માં જણાવ્યા અનુસાર આ 119 આતંકવાદીઓમાંથી 79 પીર પંજાલ રેન્જના ઉત્તર ભાગમાં સક્રિય છે. તેમાં 18 આતંકવાદીઓ સ્થાનિક અને 61 પાકિસ્તાની છે. એ જ રીતે પીર પંજાલની દક્ષિણ રેન્જમાં સક્રિય 40 આતંકવાદીઓમાંથી 6 સ્થાનિક અને 34 પાકિસ્તાની છે.
આ વર્ષે અત્યાર સુધીમાં આતંકવાદી હુમલાની 25 ઘટના બની છે. ગત આખા વર્ષમાં એ સંખ્યા 27ની હતી. આ હુમલાઓમાં સેનાના અધિકારીઓ સહિત 24 જવાનો શહીદ થયા છે. સુરક્ષા દળોએ 61 આતંકવાદીઓનો ખાતમો બોલાવ્યો છે. તેમાં 21 પાકિસ્તાની આતંકવાદી છે. આ 61 પૈકીના 16 આતંકી લાઈન ઓફ કંટ્રોલ પાસે માર્યા ગયા હતા જ્યારે 45નો જમ્મુ કાશ્મીર રાજ્યના વિવિધ સ્થળોએ સફાયો કરવામાં આવ્યો હતો. અહેવાલમાં જણાવ્યા અનુસાર વર્ષ 2023 માં સુરક્ષા દળોએ 60 આતંકવાદીઓને પતાવી દીધા હતા તેમાંથી 12 પાકિસ્તાનના હતા. ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાં ધારાસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ આતંકવાદીઓએ પરપ્રાંતિય શ્રમિકો ઉપર હુમલા કરી ભઈ ફેલાવવાની રણનીતિ અખતયાર કરી છે.
