મથુરા દર્શને જઈ રહેલા તળાજા પંથકના 11 શ્રધ્ધાળુઓને ટ્રકે કચડી માર્યા
રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં વહેલી સવારે બની દુર્ઘટના
- ક્ષતિગ્રસ્ત બસમાંથી નીચે ઉતરીને રોડની સાઈડમાં ઉભા હતા ત્યારે ટ્રકે આવીને હડફેટે લીધા
-મૃતકો તળાજા તાલુકાનાં દિહોર ગામના રહેવાસી, ગામમાં શોકનો માહોલ
-હજુ મૃત્યુઆંક વધે તેવી ભીતિ
ભરતપુરઃ
રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં જયપુર-આગરા હાઈવે પર આજે વહેલી સવારે લગભગ 5.30 વાગ્યાના સુમારે થયેલા ભયાનક અકસ્માતમાં 11 મુસાફરોના મોત ગયા છે અને બીજાં 12 જણ ગંભીર રીતે ઘાયલ થયાં છે. એક ટ્રેલર ટ્રકે એક બસને ટક્કર મારતાં મોતનું તાંડવ સર્જાયું હતું. . ભોગ બનેલાં લોકો ભાવનગર જિલ્લાનાં તળાજા તાલુકાના દિહોર ગામના રહેવાસીઓ હતા. આ ઘટના બાદ નાના એવા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. દુર્ઘટનાગ્રસ્ત બસ ભાવનગરની ખાનગી ટ્રાવેલ કંપનીની હતી. ટ્રેલર-બસની અથડામણ એટલી બધી ભયંકર હતી કે બંને વાહનનાં ફૂરચાં ઉડી ગયા હતા. આ દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર્ભાઈ પટેલે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરીને મૃતકોના પરિવારજનોને બે-બે લાખ રૂપિયાનાં વળતરની જાહેરાત કરી છે.
મળતી માહિતી પ્રમાણે ભાવનગરથી શ્રદ્ધાળુઓ ભરેલી બસ મથુરા જઈ રહી હતી. જોકે, આ બસ રાજસ્થાનના ભરતપુર પાસે આગ્રા જયપુર નેશનલ હાઇવે 21 પર હંતારા પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે આશરે 5.30 વાગ્યે બસની ડિઝલ પાઇપ ફાટતા બસ ઉભી રાખીને ડ્રાઇવર અને તેના સાથીઓ સરખી કર રહ્યા હતા. અને શ્રદ્ધાળુઓ પણ બસમાંથી ઉતરીને રસ્તા પાસે ઉભા હતા. ડ્રાઇવર અને તેમના સાથી બસને સરખી કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે ટ્રકે તેમને ટક્કર મારી અને બાજુમાં ઊભેલા લોકોને પણ કચડી નાંખ્યા હતા.
અહેવાલો અનુસાર, તળાજાનાં દિહોર ગામમાં રહેતાં લોકો બસમાં ઉત્તર પ્રદેશના મથુરા અને વૃંદાવન તરફ જતાં હતાં. ઘાયલ થયેલાઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. એમાંના કેટલાકની હાલત ગંભીર છે અને મરણાંક વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા મુજબ, બસમાં કોઈક ટેક્નિકલ ખામી જણાતાં ડ્રાઈવરે બસને રસ્તાની બાજુએ ઊભી રાખી હતી અને ડ્રાઈવર તથા બીજાં કેટલાંક લોકો નીચે ઉતર્યાં હતાં. એવામાં ધસમસતી આવેલી ટ્રક એમની સાથે અથડાઈ હતી. રસ્તા પર ઉતરેલા લોકોને કચડી નાખ્યા હતા. બસમાં કુલ 57 જણ હતાં. તેઓ ગઈ કાલે રાતે પુષ્કરથી મથુરા જવા રવાના થયા હતા.
મૃતકોમાં અંતુભાઈ લાલજીભાઈ ગયાણી, નંદરામભાઈ મથુરભાઈ ગયાણી લાલુભાઈ ડાયાભાઈ ગયાણી ,ભરતભાઈ ભીખાભાઈ, લાલજીભાઈ મનજીભાઈ, અંબાબેન જીણાભાઈ, , કંકુબેન પોપટભાઈ, , રામુબેન ઉદાભાઈ , મધુબેન અરવિંદભાઈ દાગી, અંજુબેન થાપાભાઈ , મધુબેન લાલજીભાઈ ચુડાસમાનો સમાવેશ થાય છે.
CM ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લખ્યું છે કે, ‘રાજસ્થાનના ભરતપુર નજીક થયેલ માર્ગ અકસ્માતની ઘટના ખૂબ આઘાતજનક છે. અકસ્માતમાં ગુજરાતના યાત્રિકોએ જીવ ગુમાવ્યો છે. સૌ મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્ત યાત્રિકો જલ્દીથી સાજા થાય તેવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું.’
મુખ્યમંત્રીએ મૃતકોનાં પરિવારજનોને બે બે લાખ અને ઘાયલોને ૫૦ હજારનું વળતર જાહેર કર્યું છે.