મેરી જાન તીરંગા હૈ, મેરી શાન તીરંગા હૈ…
ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી-પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ રહેશે હાજર
બહુમાળી ચોકમાં સરદારની પ્રતિમાથી શરૂ થઈ જ્યુબિલી ખાતે ગાંધીજીની પ્રતિમાએ થશે પૂર્ણાહૂતિ: રૂટમાં ઠેર-ઠેર ડી.જે.સહિતની વ્યવસ્થા
સ્વતંત્રતા પર્વ આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે લોકો દેશભક્તિના રંગે રંગાવા માટે આતૂર બન્યા છે. દરમિયાન ભાજપ દ્વારા આ વર્ષે રાજકોટમાં ઐતિહાસિક તીરંગા યાત્રા કાઢવાનું એલાન કરવામાં આવ્યું છે. આવતીકાલે તીરંગા યાત્રાનો રાજકોટથી પ્રારંભ થશે જેમાં ૧ લાખથી વધુ લોકો જોડાનાર હોવાનો અંદાજ વ્યક્ત કરાયો છે. આ યાત્રા ૧.૭ કિલોમીટરની રહેશે. આ યાત્રા બહુમાળી ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાથી શરૂ થઈ જ્યુબિલી ખાતે ગાંધીજીની પ્રતિમાએ પૂર્ણાહૂતિ થશે. આ યાત્રામાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી-પ્રદેશ પ્રમુખ સી.આર.પટેલ ઉપરાંત ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ હાજર રહેશે.
આ યાત્રા સવારે ૯ વાગ્યાથી શરૂ થશે જેમાં મુખ્યમંત્રી, જે.પી.નડ્ડા, પાટીલ સહિતના સભાને સંબોધન કરશે અને ત્યારબાદ યાત્રાનું પ્રસ્થાન થશે. યાત્રાના રૂટ ઉપર ઠેકઠેકાણે ડી.જે.સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં દેશભક્તિના ગીત-સંગીતથી અલગ જ માહોલ ઉભો કરવામાં આવશે.
આ માટે મહાપાલિકા કચેરીએ બેઠક મળી હતી જેમાં અધિકારીઓ, પદાધિકારીઓ, અલગ-અલગ સામાજિક સંસ્થાના આગેવાનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.