હિમાચલમાં ભારે હિમવર્ષાથી જનજીવન અસ્તવ્યસ્ત
મોટી મોટી હિમશીલાઓ પડવાથી 350 રોડ થયા બ્લોક, વીજળી ગૂલ, હવામાન વિભાગે આપ્યું ઓરેન્જએલર્ટ
હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા થઇ રહી છે અને તેને કારણે જનજીવન ઉપર માઠી અસર પહોંચી છે. બરફવર્ષાને લીધે નેશનલ હાઇવે સહિત 305 રસ્તા બ્લોક થઇ ગયા છે. તો 1,314 સ્થળોએ વીજળી સેવા પણ ખોરવાઈ ગઈ છે.આજે બપોરે નહેરુકુંડ પાસે કેટલીક હિમશીલાઓ ગબડી હતી અને તેને લીધે પાંચેક વાહનો દબાઈ ગયા હતા. જો કે, કોઈ જાનહાની થઇ નથી.
હવામાન વિભાગે ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન કેન્દ્રના એલર્ટ વચ્ચે રાજ્યના તમામ ભાગોમાં હિમવર્ષા અને વરસાદ થઈ રહ્યો છે. ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદને કારણે સામાન્ય જનજીવન પણ પ્રભાવિત થયું છે. હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા અને વરસાદને કારણે 350 રસ્તાઓ બંધ થઈ ગયા છે.
આ ઉપરાંત ચાર સ્થળોએ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પણ ખોરવાયા છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, 1,314 સ્થળોએ વીજળી સેવા પણ ખોરવાઈ ગઈ છે.
હિમાચલ પ્રદેશમાં, બિલાસપુર જિલ્લામાં આઠ સ્થળોએ, જિલ્લા કાંગડામાં એક, જિલ્લા કિન્નૌરમાં 32, જિલ્લા કુલ્લુમાં સાત, જિલ્લા લાહૌલ સ્પીતિમાં 290, જિલ્લા મંડી અને જિલ્લા શિમલામાં બે-બે સ્થળોએ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. આ સિવાય લાહૌલ સ્પીતિ જિલ્લામાં નેશનલ હાઈવે 505 અને નેશનલ હાઈવે 003ને પણ બંધ કરી દેવામાં આવ્યો છે. સ્ટેટ ઈમરજન્સી સેન્ટર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, કિન્નૌરમાં નેશનલ હાઈવે 1 અને કુલ્લુ જિલ્લામાં નેશનલ હાઈવે 305 પણ બંધ છે. ભારે હિમવર્ષાના કારણે રોહતાંગ પાસને પણ બંધ કરી દેવામાં આવ્યો છે.
હવામાન કેન્દ્ર શિમલાના જણાવ્યા અનુસાર, 3 માર્ચ સુધી રાજ્યભરમાં હવામાન ખરાબ રહેવાની સંભાવના છે.