રાજ્યમાં ચાર મહિના સુધી થશે ઢોરની ગણતરી
સપ્ટેમ્બરથી ડિસેમ્બર દરમિયાન ૪૩૦૦ સર્વેયરો દોઢ કરોડ ઘરોની મુલાકાત લઇ પશુની વસતી ગણતરી કરશે
ભારત સરકાર દ્વારા આગામી સમયમાં હાથ ધરવામાં આવનાર ૨૧મી પશુધન વસતી ગણતરી માટે ઉપયોગમાં લેવામાં આવનાર સોફ્ટવેર અંગે ગુજરાત અને રાજસ્થાનના નોડલ અધિકારીઓ માટે GIDM-ગાંધીનગર ખાતે પ્રાદેશિક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકાર દ્વારા ગુજરાત સરકારના સહયોગથી આયોજિત આ કાર્યશાળાનો પશુપાલન મંત્રી રાઘવજી પટેલે શુભારંભ કરાવ્યો હતો અને નોડલ અધિકારીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગ્રામીણ અર્થવ્યવસ્થાને મજબૂત કરવામાં તેમજ ખેડૂતોને આર્થિક સ્થિરતા પ્રદાન કરવામાં પશુપાલન ક્ષેત્ર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
પશુધન વસતી ગણતરીમાં દેશભરની ૨૧૯ જેટલી પશુ જાતોની ગણતરી કરવામાં આવશે, જે પૈકી ગુજરાતમાં ગીર, કાંકરેજ, ડગરી, ડાંગી અને નારી ગાય, મહેસાણી અને જાફરાબાદી ભેંસ, ઊંટ, ઘેટા અને અન્ય પશુઓને મળી કુલ ૨૮ પશુ જાતોની ગણતરી કરવામાં આવશે. સપ્ટેમ્બર-૨૦૨૪ થી ડિસેમ્બર-૨૦૨૪ દરમિયાન ગુજરાતમાં આશરે ૪,૩૦૦થી વધુ અધિકારી-કર્મચારીઓ રાજ્યના દોઢ કરોડ ઘરોની મુલાકાત લઇ પશુધન વસતી ગણતરી હાથ ધરશે.
ભારત સરકારના પશુપાલન, મત્સ્ય અને ડેરી વિકાસ મંત્રાલય દ્વારા નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે ગત તા. ૨૦ થી ૨૨ જુલાઈ દરમિયાન “ઇન્ડિયન ડેરી ઇન્ડસ્ટ્રી એન્ડ ફિશરીઝ એક્સ્પો-૨૦૨૪”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના પશુપાલન વિભાગ અને ગુજરાત લાઈવસ્ટોક ડેવલોપમેન્ટ બોર્ડ દ્વારા આયોજિત પ્રદર્શનીને ગવર્મેન્ટ કેટેગરીમાં “એક્સીલેન્ટ અચીવમેન્ટ” માટે પ્રથમ પુરસ્કાર મળ્યો છે.
ગાંધીનગર ખાતે આયોજિત ૨૧મી પશુધન વસતી ગણતરીના તાલીમ કાર્યક્રમના શુભારંભ પ્રસંગે ગુજરાતના પશુપાલન મંત્રી રાઘવજી પટેલે ગુજરાતની પ્રદર્શનીને મળેલો એક્સીલેન્ટ અચીવમેન્ટ માટેનો પ્રથમ પુરસ્કાર પશુપાલન વિભાગના સચિવ સંદીપકુમાર અને પશુપાલન નિયામક ડૉ. ફાલ્ગુની ઠાકરને એનાયત કર્યો હતો.