હાજી ઇકબાલ સામે માયાવતી શાસન વખતનો કેસ ; ઇડીની કાર્યવાહી : માફિયા અત્યારે દુબઈમાં સંતાયેલો છે
ઉત્તર પ્રદેશમાં માફિયાઓ પર આકરી કાર્યવાહી ચાલુ રહી છે. હવે વિદેશ જઈને સંતાયેલા માફિયાઓનો વારો ચડી રહ્યો છે. બહુજન સમાજ પાર્ટી સરકારના સમયમાં ખનીજ માફિયા હાજી ઈકબાલ ઉર્ફે બાલાનો દબદબો હતો. ખાણ-ખનીજ વ્યવસાયમાં હાજી ઈકબાલ સાથે જોડાયેલા લોકોને કરોડપતિ બનાવી રહ્યા હતા. હવે શનિવારે ઇડીએ હાજી ઇકબાલની 4440 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી. હાજી ઇકબાલની સંપત્તિ અગાઉ પણ જપ્ત કરવામાં આવી છે. તેની સામે 40થી વધુ કેસ નોંધાયેલા છે. અત્યારે હાજી ઇકબાલ ફરાર છે અને દુબઈમાં સંતાયો છે.
સપા અને બસપા સરકારના કાર્યકાળ દરમિયાન હાજી ઈકબાલ પશ્ચિમ ઉત્તર પ્રદેશનો સૌથી મોટો ખનીજ માફિયા હતો. તેણે કરોડોનો ગેરકાયદે કારોબાર ફેલાવ્યો હતો અને આ ધંધામાં ગેરકાયદે સંપત્તિ બનાવી હતી. વર્ષ 2022માં સહારનપુર પોલીસે હાજી ઈકબાલના નજીકના સંબંધીઓની 170 કરોડ રૂપિયાની 123 સંપત્તિઓ જપ્ત કરી હતી. જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે હાજી ઈકબાલ અને તેની ગેંગના નામે કુલ 123 સંપત્તિ નોંધવામાં આવી હતી, જેની કિંમત 36 કરોડથી વધુ હતી. શરૂઆતમાં તે મધ વેચતો હતો અને ત્યારબાદ ખનન માફિયા બની ગયો હતો.
ખનીજ માફિયા હાજી ઈકબાલનો એવો દબદબો હતો કે સરકાર પણ તેની સામે કાર્યવાહી કરવામાં અચકાતી હતી. હાજી ઈકબાલે બસપા સરકારમાં ખાણ-ખનીજના વ્યવસાયથી લઈને સુગરની મિલોને પડતર ભાવે ખરીદવા સુધીની મોટી ભૂમિકા ભજવી હતી, જેના કારણે તેણે અબજોની સંપત્તિ બનાવી હતી.
માર્ચ 2021માં ઈડીએ ઉત્તર પ્રદેશના સુગર મિલ કૌભાંડમાં પૂર્વ હાજી ઈકબાલ સામે કાર્યવાહી કરી હતી. ત્યારે ઈડીએ 1000 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરી હતી. આ કાર્યવાહી ઈડીની લખનઉ ઝોનની ટીમ દ્વારા કરવામાં આવી હતી. આ મામલો પૂર્વ મુખ્યમંત્રી માયાવતીના કાર્યકાળનો છે. યુપી સરકાર હવે ખનન માફિયાઓનો વારો કાઢી રહી છે.