નોટોના બંડલથી ભરેલો છોટા હાથી પલટી ગયો, રસ્તા પર વિખેરાયા 7 કરોડ રુપિયા
આંધ્રપ્રદેશના ગોદાવરી જિલ્લાની ઘટના : બીજા જિલ્લામાંથી પણ ૮ કરોડ મળ્યા હતા : ૧૩મીએ છે મતદાન
ચૂંટણીના સમયમાં કાળા નાણાની હેરાફેરી મોટા પાયે થઇ રહી છે અને તેમાં એક ઉમેરો થયો છે. આંધ્રપ્રદેશનાં ગોદાવરી જિલ્લામાં હાઈ-વે ઉપર એક છોટા હાથી પલટી ખાઈ ગયો હતો અને તેમાં પેટીઓમાં રાખીને લઇ જવાતી ૭ કરોડની રોકડ રકમ રોડ ઉપર વિખેરાઈ હતી. આ બાબતની પોલીસને જાણ થતા તેને કબજે કરવામાં આવી હતી.
આંધ્રપ્રદેશમાં નલ્લાજર્લા મંડલના અનંતપલ્લીમાં આ ઘટના બની હતી. છોટા હાથીને એક લોરીએ ટક્કર મારી હતી અને પછી આ વાહન પલટી ગયું હતું. સ્થાનિક લોકોએ જોયું કે તે વાહનમાં બોરીઓ વચ્ચે રોકડ ભરેલા 7 બોક્સ પડેલા છે. ત્યારે તેઓએ આ અંગે પોલીસને જાણ કરી હતી.
આ પહેલા શુક્રવારે આંધ્રપ્રદેશના એનટીઆર જિલ્લામાં પોલીસને ચેકિંગ દરમિયાન પાઈપથી ભરેલા ટ્રકમાંથી લગભગ 8 કરોડ રુપિયા રોકડા મળી હત્યા. પોલીસે ટ્રક અને પૈસાને જપ્ત કરવાની સાથે સાથે તેમાં સવાર બે લોકોની પણ અટકાયત કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ નોટોના બંડલ એનટીઆર જિલ્લામાં ગરિકાપાડુ ચેક પોસ્ટ પર ચેકિંગ દરમિયાન પકડાયો હતો. મળતી માહિતી મુજબ પૈસા પાઈપથી ભરેલા ટ્રકમાં અલગ કેબિનમાં રાખવામાં આવ્યા હતા.