નવરાત્રી, રામલીલા જેવા તહેવારોમાં દેશમાં કેટલો થશે વેપાર ? જુઓ
ભારતમાં ખૂબ જ ધામધૂમથી ઉજવાતી નવરાત્રી, રામલીલા, ગરબાની તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે. આ તમામ તહેવારો લોકો ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. આ વર્ષે, ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સએ આ તહેવારોની સિઝનને લઈને મોટો દાવો કરીને એવી માહિતી આપી છે કે સમગ્ર દેશમાં રૂ. 50,000 કરોડથી વધુનો બિઝનેસ થવાની અપેક્ષા છે. એકલા દિલ્હીમાં 8,000 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસનો અંદાજ છે.
બજારોમાં ઉપભોક્તા પ્રવૃત્તિમાં ઉછાળો આવવાની ધારણા છે, જે વેપારીઓને ભારે પ્રોત્સાહન આપશે. ફેડરેશનના જનરલ સેક્રેટરી અને સાંસદ પ્રવીણ ખંડેલવાલે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ વર્ષની ઉત્સવની ખરીદીમાં ભારતીય બનાવટની પ્રોડક્ટ્સ મુખ્ય રીતે જોવા મળશે, જ્યારે ચીની વસ્તુઓમાં રસ ઓછો રહેશે.
સ્થાનિક અને આત્મનિર્ભર ભારત માટેની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલથી ભારતીય ઉત્પાદનોની ગુણવત્તામાં સુધારો થયો છે, જે ગ્રાહકોને સ્થાનિક રીતે ઉત્પાદિત માલ તરફ આકર્ષિત કરે છે. લોકલ ફોર વોંકલની અસર પણ દેખાઈ રહી છે.
લાખોને રોજગાર
દેશભરમાં ધાર્મિક, સાંસ્કૃતિક, સામાજિક અને આધ્યાત્મિક કાર્યક્રમો સહિત 1 લાખથી વધુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેનાથી લાખો લોકોને રોજગારી મળશે. તહેવારોની મોસમ નવરાત્રી, રામલીલા, ગરબા અને દાંડિયા, વિજયાદશમી, દુર્ગા વિસર્જન, દિવાળી, છઠ પૂજા અને અન્ય મુખ્ય ઉજવણીઓ સાથે ચાલુ રહેશે.
ખાદ્યપદાર્થો, મીઠાઈઓની માંગ વધુ
દિલ્હીમાં 1,000 થી વધુ રામલીલાઓ અને સેંકડો દુર્ગા પૂજા પંડાલોનું આયોજન કરવામાં આવશે, જ્યારે ગુજરાતમાં પરંપરાગત રીતે ઉજવાતા ગરબા અને દાંડિયામાં રાજધાની સહિત દેશભરમાં વ્યાપક સહભાગિતા જોવા મળશે. ખંડેલવાલે તહેવારો દરમિયાન પરંપરાગત વસ્ત્રો, પૂજા સામગ્રી, મીઠાઈઓ અને સુશોભન વસ્તુઓની માંગમાં નોંધપાત્ર વધારો નોંધ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તહેવારો દરમિયાન ખાદ્યપદાર્થો અને મીઠાઈઓની ઘણી માંગ હોય છે.