દાળના ઊંચા ભાવ અંગે સરકારે શું કહ્યું ? જુઓ
નવી સરકાર સક્રિય : દાળની આયાત વધારી દેવાશે, ભાવ પર નજર રખાશે; ગ્રાહક બાબતોના સચિવે આપી હૈયાધારણ
અત્યારે લોકો દાળની દરેક પ્રકારની જાતના ભાવ વધારાની ફરિયાદ કરી રહ્યા છે અને નવી સરકાર રચાઇ ગઈ છે ત્યારે સરકારે આ મુદ્દે સક્રિયતા બતાવી છે અને લોકોને જલ્દી રાહત આપવા માટેના પગલાંની સમીક્ષા શરૂ થઈ છે. સરકારે એવું નિવેદન કર્યું છે કે જુલાઇના અંત સુધીમાં લોકોને રાહત આપવાનો પ્રયાસ થઈ રરહ્યો છે
કેન્દ્રના ગ્રાહક બાબતોના સચિવે શનિવારે મીડિયાને એમ કહ્યું હતું કે ચોમાસું સારું રહેશે તેવી આગાહી થઈ છે અને બીજી બાજુ આયાત વધારી દેવામાં આવશે અને એમ કરીને દાળના ભાવ નીચે લાવવામાં આવશે. આ માટે સરકારે કામગીરી શરૂ કરી દીધી છે.
એમણે કહ્યું હતું કે ચણા, અરહર અને અડદની દાળના ભાવમાં નરમી આવી શકે છે અને જેમ બને તેમ જલ્દી લોકોને રાહત આપવામાં આવશે. દાળના આ ભાવને લઈને લોકોએ ગભરાવવાની કોઈ જરૂર નથી. આવતા મહિનાથી આ ત્રણેય દાળના આયાતમાં વધારો થઈ જવાનો છે.
આયાત વધવાથી ઘરેલુ પુરવઠો જળવાઈ રહેશે અને ભાવ કાબુમાં આવવા લાગશે. સરકાર ભાવ પર નજર રાખશે અને એક ખાસ પેનલ ભાવની સપાટીની દર સપ્તાહે સમીક્ષા કરતી રહેશે. લોકોને હવે લાંબા સમય સુધી આ મોંઘવારીનો સામનો કરવો નહીં પડે.
જો કે એમણે એમ પણ કહ્યું હતું કે પાછલા 6 માસથી આ બધી દાળના ભાવ સ્થિર રહ્યા છે પણ ઊંચા લેવલે સ્થિર છે માટે તેને ઘટાડવા જરૂરી છે અને લોકોની ફરિયાદ સાચી છે. સરકાર ખૂબ જ સાવચેત છે.