કેન્દ્રીય મંત્રી પાસે ૫૦ લાખની ખંડણી માગી : ૩ દિવસનું અલ્ટીમેટમ
રાંચીના ગુનેગારોનું દુસ્સાહસ : દિલ્હી પોલીસને જાણ કર્યા બાદ તપાસનો ધમધમાટ
રાંચીનાં ગુનેગારોની હિંમત અંગે વિચારતા કરી મુકે તેવી એક ઘટનામાં કેન્દ્રીય સંરક્ષણ રાજ્ય મંત્રી સંજય શેઠ પાસે ખંડણી માગવામાં આવી છે. સંજય શેઠ મોદી સરકારમાં મંત્રી છે અને રાંચીનાં સાંસદ છે. ધમકી આપનારે ૫૦ લાખ રૂપિયાની ખંડણી માગી છે અને જો ત્રણ દિવસમાં રૂપિયા નહી મળે તો પરિણામ ભોગવવું પડશે તેવી ધમકી પણ આપી છે.
હાલમાં સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે અને સંજય શેઠ દિલ્હીમાં છે. તેમને મોબાઈલ ઉપર આ ધમકી આપવામાં આવી છે.
સંજય શેઠે આ ધમકી અંગે પોલીસને જાણકારી આપી હતી અને પોલીસ કમિશનર સહિતના અધિકારીઓએ મંત્રી પાસે જઈને વિગત પ્રાપ્ત કરી હતી. પ્રાથમિક તપાસમાં આ ધમકી ઝારખંડના રાંચી પાસેના હોસીર વિસ્તારમાંથી આપવામાં આવી હોવાનુ ધ્યાનમાં આવ્યું છે. આ મામલે ઝારખંડના ડીજીપી અનુરાગ ગુપ્તાએ તપાસ હાથ ધરી છે. કોઈ કેન્દ્રીયમંત્રીને આ રીતે ફોન ઉપર મેસેજ કરીને ખંડણી માગવામાં આવી હોય તેવી આ પહેલી ઘટના છે.