જૈન દર્શનનાં ત્રણ અધિરાજ પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ મંત્રાધિરાજ નવકાર મહામંત્ર, તીર્થાધિરાજ સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા
શ્રી નેમિનાથ વિતરાગ સ્થાનકવાસી જૈન સંઘમાં બિરાજતા પૂ.તપસ્વી રત્ના, પ્રવચન પ્રભાવિકા બેન સ્વામી બા.બ્ર.સ્મિતાબાઈ મહાસતીજીનું વ્યાખ્યાન-દિવસ બીજો
તુમ જલા સકો તો દીપ જલાના તુમ દીલ કો જલાના મત શીખો
ગોંડલ સંપ્રદાયના બા.બ્ર.પ.પૂ.જ્યોતિબાઈ સ્વામીના સુશિષ્યા બા.બ્ર.પ.પૂ.સ્મિતાબાઈ સ્વામીએ ધર્મ-ધ્યાન કરીને પર્વાધિરાજ પર્યુષણ પર્વની આરાધના કરવાનો સંદેશ આપ્યો હતો. ત્રિલોકી નાથ ભગવાન મહાવીરના શાસનમાં ભવપાર કરવાનું સૌભાગ્ય આપણને મળ્યું છે. પર્વ, પર્વાધિરાજ અને પર્યુષણનું આટલું બધું મહત્ત્વ શા માટે છે ? જેમ નદીઓમાં ગંગા નદી શ્રેષ્ઠ છે તેમ પર્વમાં પર્યુષણ પર્વ શ્રેષ્ઠ છે. જેમ પર્વતમાં મેરુ પર્વત, જેમ સમુદ્રમાં સ્વયંભૂ રમણ સમુદ્ર, જેમ ફુલમાં શ્રેષ્ઠ ફુલ અરવિંદ એટલે કમળ છે, જેમ જ્યોતિષ વિદ્યામાં સૂર્ય-ચંદ્ર શ્રેષ્ઠ છે, જેમ મણિઓમાં ચિંતામણિ શ્રેષ્ઠ છે, જેમ ગાયોમાં કામધેનુ ગાય શ્રેષ્ઠ છે, જેમ હાથીઓમાં ઐરાવત શ્રેષ્ઠ છે, જેમ ગતિઓમાં મનુષ્યગતિ શ્રેષ્ઠ છે, જેમ મનુષ્યોમાં સાધક શ્રેષ્ઠ છે, જેમ પદવીમાં અરિહંત પદવી શ્રેષ્ઠ છે, જેમ પંચ પરમેષ્ઠિમાં સિદ્ધ ભગવાન શ્રેષ્ઠ છે, જેમ સાધનામાં સિદ્ધિ શ્રેષ્ઠ છે, જેમ તમામ ક્ષેત્રોમાં મોક્ષ શ્રેષ્ઠ છે, જેમ આત્માની આરાધનામાં અણહારક શ્રેષ્ઠ છે, જેમ દાનમાં અભયદાન શ્રેષ્ઠ છે, તેમ પર્યુષણ શ્રેષ્ઠ છે, જેમ સાધનામાં તપ શ્રેેઠ છે, તેમ પર્યુષણ શ્રેષ્ઠ છે. જેમ સમતામાં ક્ષમા શ્રેેઠ છે તેમ પર્વમાં પર્યુષણ પર્વ શ્રેષ્ઠ છે. જેમ પર્વોમાં પર્યુષણ શ્રેષ્ઠ છે તેમ પર્વોમાં સંવત્સરિ શ્રેષ્ઠ છે. આવી શ્રેષ્ઠતા પર્વાધિરાજ પર્યુષણ પર્વ લઈને આવી ગયા છે. આ પર્વાધિરાજ શા માટે છે ? બાકી બધા પર્વો છે પણ આ પર્વને પર્વાધિરાજ શા માટે કહેવાય છે ?
પર્યુષણ એટલે શું ?
સાધનામાં જોડાયા એટલે સાધક બન્યા છીએ,
આરાધનામાં જોડાયા એટલે આરાધક બન્યા છીએ.
સાધકની વ્યાખ્યા બતાવતા કહ્યું હતું કે દાન-શીલ-તપ-ભાવથી સાધના કરે તે સાધક. અન્યની શાતા-શાંતિ અને સમાધિમાં બાધક ન બને તે સાધક. અન્યની કાયાના, વચનના યોગે શાતા આપે તે સાધક. કોઈની સાધનામાં બાધક ન બને તે સાધક. કોઈના જીવનમાં ઘાતક ન બને તે સાધક. તમારા જીવનમાં ક્રોધ, માયા, અહંકાર, લોભ, રાગ, દ્વેષ ન પરિણમે, તમામ પ્રકારના કર્મોનો ક્ષય કરવા માટે સહાય કરે તે પર્યુષણ. પર્યુષણ બીજો શબ્દ. પરિ વસન એટલે સ્થિરતા. મન, વચન, અંતર સાધના, કાર્યોત્સર્ગ, સામાયિક, પ્રતિક્રમણમાં ચંચળતા ન હોય તે પર્યુષણ. મન, વચન, કર્મની સ્થિરતા એટલે પર્યુષણ. તમામ પ્રકારના દોષ, કર્મોનો ક્ષય કરવા માટે સહાય કરે તે દિવસો એટલે પર્યુષણ. તમામ કાર્યોમાં સ્થિરતા હોય તે પર્યુષણ.
આ સ્થિરતા ક્યારે આવે ?
કાયાની-મનની ચંચળતા આપણી ઉંમર સાથે સંકળાયેલી છે. બાળકમાં ચંચળતા હોય છે. ઉંમર વધતા સ્થિરતા આવતી જાય. ધર્મની ઉંમર કેવડી ? બાળકમાં મોટું થાય એટલે સ્થિરતા આવે તો આપણામાં સ્થિરતા ક્યારે આવશે ? આ સ્થિરતાના યોગમાં આવી આત્માની આરાધના કરવાનો સમય આવી ગયો છે. ચાર ગતિના પરિભ્રમણ પર પૂર્ણવિરામ મૂકો.
પર્યુષણ એટલે પરિશમન
ઈન્દ્રિયોના આવેગને શાંત કરો. સમતા કેળવી લ્યો. અંતરના ઉકળાટને શાંત કરીએ. ભગવાનના માર્ગની, મોક્ષની, નિર્જરાની સાધના એવી છે કે તમારા મનને સમતામાં, ક્ષમાભાવને લાવે છે.
તુમ જલા સકો તો દીપ જલાના
તુમ દીલ કો જલાના મત શીખો
કોઈના દિલમાં રોશની કરી શકો તો કરજો. કરુણાનો દીપ, દયાનો દીપ પ્રગટાવજો. જે રગેરગમાંથી રાગ, દ્વેષ, ક્રોધ, શંકા-કુશંકાના પાપનો નાશ કરે એ છે પર્યુષણ.
પરિશમન એટલે સમતા અને ક્ષમા ભાવ
ત્રિલોકીનાથ પરમ પરમાત્માના વચનના સાનિધ્ય, માર્ગ પ્રત્યેની ધર્મ કરણીનું સાનિધ્ય, ભગવાનના માર્ગની, મોક્ષની નિર્જરાના સાનિધ્યની સાધના તમારા મનમાં સ્થિરતા લાવે અને પરિશમન એટલે મનને શાંત કરે એ.
સ્વયં ધર્મમાં જોડાઈ જવાની પ્રેરણા આ દિવસો કરે છે. અન્ય તીર્થમાં દાન કરો, દસ ગણું પર્વમાં ધર્મ કરો તેનું અનેક ગણું ફળ છે પણ પર્વાધિરાજના તપ કરો તેનું અનંત ફળ છે. સ્થિરતા અને શમન થઈ જાય ત્યારે આત્માને અનંતગણું ફળ મળે છે, કર્મોનો ક્ષય થાય છે.
શા માટે બધા ધર્મોમાં જૈન ધર્મ પ્રધાન છે ? જૈન દર્શનને ત્રણ અધિરાજ મળેલા છે. પર્વાધિરાજ પર્યુષણ, મંત્રાધિરાજ નવકાર મંત્ર, તીર્થાધિરાજ સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા.
મનુષ્ય શરીરના છ કલંક છે. મનુષ્યને સવારે ભૂખ લાગે છે. સમયાંતરે ભૂખ લાગે છે. બીજા નંબરમાં મનુષ્યને મેલ ચડે છે. ત્રીજું, અરુચિવાળું છે. મનુષ્ય સારું જમે છે પણ અરુચિ બહાર આવે છે. ચોથું એને ગંધ આવે છે, એને વૃદ્ધાવસ્થા આવે છે, એને રોગ આવે છે અને મૃત્યુ પણ આવે છે.
આખું વરસ શરીરને જે જોઈએ છે એ આપ્યું છે પણ પર્યુષણના દિવસોમાં તમારી ઈચ્છા પ્રમાણે શરીરને ચલાવો. એક નવકાંશી કરો એટલે કેટલાય કર્મો ક્ષય થઈ જાય છે. આ તપની સાધનાનો માર્ગ બતાવ્યો છે. તપથી કર્મોની ભેખડો તોડી નાખવાની છે. ક્ષય કરવાના દિવસો છે. સાધક અવસ્થાને સ્થિર કરવાની છે. ગમે તે મંત્રો બોલીએ એ મંત્ર છે પણ બધા મંત્રોનો મુગટ તે મંત્રાધિરાજ છે. નવ પદ નવ નિધિ આપે છે, અષ્ટ સિદ્ધિ મળે, નવ નિધિ મળે તે નવકાર છે. ભવોભવના દુ:ખ કાપે છે. તીર્થ સ્થાનો તે તીર્થ છે પણ તીર્થાધિરાજ એટલે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ તીર્થાધિરાજ છે.
આ આરાધનાના યોગ સર્જાયા છે એટલે સ્થિરતા કેળવી સમતા કેળવવાની છે એવો ઉપદેશ આપ્યો હતો.
પર્યુષણ પર્વની ઓળખાણ એટલે
પ-પાપ
ર-રગેરગમાંથી
વ-વિનાશ
જે દિવસો રગેરગમાંથી અંતરના પાપને તોડે, દ્વેષ, ક્રોધ, કુશંકાના પાપને તોડે તે પર્વ.