રાજકોટમાં એક એવું સ્થાનક જ્યાં આવેલું છે 1000થી વધારે વર્ષ જૂનું “અમરવૃક્ષ”
રણજીત વિલાસ પેલેસના પ્રાંગણમાં આવેલા વૃક્ષ નીચે બેસીને ગાંઠિયા ખાવાથી ઉધરસ દૂર થઈ જતી હોવાની માન્યતા: “અમરવૃક્ષ”થી જાણીતા ઝાડ નીચે છે ગુરુ દત્તાત્રેયજીનું સ્થાનક
રાજકોટમાં અનેક એવા પ્રાચીન મંદિરો આવેલા છે જેનો ઇતિહાસ વર્ષો જૂનો હોવાની સાથે ધાર્મિક માન્યતાઓ પણ અલગ-અલગ છે. દરેક મંદિરોમાં ભક્તો શ્રદ્ધા અને આસ્થા સાથે જતાં હોય છે અને લોકોની મનોકામના પૂર્ણ થતી હોય તેવું કહેવામાં આવતું હોય છે. રાજકોટમાં એક એવું મંદિર છે કે જ્યાં આવેલા વૃક્ષની માનતા રાખવાથી લોકોની બીમારી દૂર થાય છે.
રાજકોટના ઠાકોર સાહેબ સ્વ.મનોહરસિંહજી જાડેજાના પુત્ર માંધાતાસિંહ જાડેજાની માલિકીના રણજીત વિલાસ પેલેસ એટલે કે રાજવી પરિવારના પેલેસના પ્રાંગણમાં આશરે 1000 કરતાં પણ વધારે વર્ષો જુનું એક ચમત્કારિક ઝાડ આવેલું છે. આ ચમત્કારિક ઝાડને “અમરઝાS” તરીકે ઓળખવામાં આવે છે. આશરે 1000 વર્ષ જૂના આ “અમરઝાડ” નીચે ભગવાન દત્તાત્રેયજીનું સ્થાનક આવેલું છે.
રાજકોટમાં આવેલા પેલેસ રોડ પરનો ભવ્ય મહેલ એટલે, રણજીત વિલાસ પેલેસમાં રાજવી પરિવાર દ્વારા આ પ્રાચીન મંદિર માટે 500 વાર જગ્યા ફાળવવામાં આવેલી છે. આમ તો રાજ પરિવારના ખાનગી માલિકીના રણજીત વિલાસ પેલેસની મુલાકાત જાહેર જનતા માટે પ્રતિબંધિત છે. પરંતુ તેમના દ્વારા ફાળવવામાં આવેલી આ જગ્યા પર રાજવી પરિવારની પરવાનગીથી લોકો દર્શનાર્થે આવી શકે છે. આ અમરવૃક્ષને તેના થડના આકાર અને 1000 વર્ષના આયુષ્યના કારણે “ગાંડુઝાડ” પણ કહેવામાં આવે છે.
આ અમરવૃક્ષ વિશેની માહિતી અંગે આ મંદિરના પૂજારી જયેશભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે, અહી એમની આશરે સાત પેઢીથી સેવા-પૂજા કરવામાં આવે છે. ભગવાન દત્તાત્રેયજીના સ્થાનકના ઈતિહાસ અને તેની સાથે જોડાયેલી આસ્થા વિશે જણાવ્યું હતું કે, અહીં આવેલા આ અમરઝાડની નાના બાળકોથી માંડીને પુખ્ત વયના લોકોને થતી મોટી ઉધરસ જેવી બીમારી માટે માનતા રાખવામાં આવે છે. માનતા પૂરી કરવા માટે લોકો અહીં ગાંઠિયાનો પ્રસાદ ધરાવે છે. શ્રદ્ધાળુઓ દ્વારા ધરાવવામાં આવેલો ગાંઠિયાનો પ્રસાદ આ જગ્યા પર જ બેસીને આરોગવાની અહીંયા પરંપરા છે. અહીં ધરાવવામાં આવેલો પ્રસાદ ઘરે લઈ જવામાં આવતો નથી પરંતુ જેને માનતા રાખેલી હોઈ એમના દ્વારા જ આ પ્રસાદ અહીંયા બેસીને આરોગવામાં આવે છે. આ માટે આ ઝાડ નીચે બેસવાની અને પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં ભાવિકો શાંતિથી બેસીને પોતે ધરાવેલી પ્રસાદી ગ્રહણ કરી શકે છે.
જેમને માનતા રાખેલી છે એમના દ્વારા જ અહીં બેસીને ગાંઠિયાનો પ્રસાદ આરોગવાની અજીબ પરંપરા પાછળનું કારણ જણાવતા કહ્યું હતું કે, અહીં એવી પરંપરા છે કે જે પણ માનતા પૂરી કરવા માટે આવે છે અને એમના દ્વારા જે પ્રસાદ ધરાવવામાં આવે છે એ પ્રસાદ એમના દ્વારા જ અહીં બેસીને આરોગીને પૂર્ણ કરીને જવાનો હોય છે. ગાંઠિયા ત્યાં જ બેસીને ખવાઈ જાય અને બગાડ ન થાય એ કારણથી જ અહીં ગાંઠિયાનો પ્રસાદ ધરાવવામાં આવે છે. અહીં ગાંઠિયાની સાથે દાળિયા કે ચણાના લોટમાંથી બનેલી કોઈપણ વાનગી, ફળ કે શ્રીફળ પણ ધરાવીને માનતા પૂરી કરી શકાય છે. પરંતુ ત્યાં જ બેસીને ધરાવેલો પ્રસાદ આરોગીને પૂર્ણ કરીને જવાની માન્યતાના કારણે મોટા ભાગના લોકો અહીં ગાંઠિયાનો પ્રસાદ જ ધરાવે છે. આ જ કારણના લીધે વર્ષોથી અહીં માનતા પૂરી કરવા માટે ગાંઠિયાનો પ્રસાદ ધરાવવાની એક પરંપરા બની ગઈ છે. આ મંદિરમાં શ્રદ્ધાળુઓ સોમવારથી શનિવાર દરમિયાન બપોરે 4 થી સાંજના 7 જ્યારે રવિવારે સવારે 9 થી 1, સાંજે 4 થી 7 વાગ્યા દર્શન કરી શકે છે.
અમરઝાડના થડમાં બિરાજમાન ગુરુ દત્તાત્રેયજીનો ઈતિહાસ
અમરઝાડના થડમાં બિરાજમાન ગુરુ દત્તાત્રેયજીના સ્થાનક વિશે પૂછતાં પૂજારીએ જણાવ્યું કે, એમના પૂર્વજોના કહેવા અનુસાર આશરે 1000 વર્ષ પૂર્વે ગુરુ દત્તાત્રેયજીના કોઈ શિષ્ય ભ્રમણ કરતાં-કરતાં આ જગ્યા પર આવ્યા હતા અને આ ઝાડ નીચે ગુરુ દત્તાત્રેયજીની મૂર્તિની સ્થાપના કરી હતી. આ સાથે આ સ્થાનક પર ગુરુ દત્તાત્રેયજીના શિષ્ય દ્વારા સાધના અને તપ કરીને આ જગ્યાને પાવન કરવામાં આવી હતી. ત્યારથી આ જગ્યાનું ધાર્મિક મહત્વ વધતું ગયું અને આજે આ જગ્યાના ઓરાથી લોકો માનસિક શાંતિ અનુભવે છે.
સાચા મનથી રાખવામાં આવતી માનતા થાય છે પૂર્ણ
અહીંયા માત્ર ઉધરસ જ નહીં પરંતુ સાચી શ્રદ્ધા સાથે માનતા રાખવામાં આવે તો તે પૂર્ણ થતી હોવાનું લોકોનું કહેવું છે. આ સાથે અહીં લોકો દ્વારા બાળક બોલતું ન હોય, ધંધા-રોજગારની સમસ્યા, નિ:સંતાનપણું, કોઈ મોટી બીમારી વગેરે જેવી વિવિધ સમસ્યાઓના નિવારણ માટે માનતા માનવામાં આવે છે.