રાત્રે હનુમાનજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરાઇ એટલે કહેવાયા “રાતીયા હનુમાન”
આમ્રપાલી વિસ્તારમાં આવેલા મંદિરનો રોચક છે ઇતિહાસ: ઓસ્ટ્રેલીયા રહેતા પરિવાર દ્વારા દર પૂનમે કરાવવામાં આવે છે સત્યનારાયણની કથા
રાજકોટમાં હનુમાનજીના અનેક મંદિર આવેલા છે. પરંતુ શહેરના આમ્રપાલી વિસ્તારમાં હનુમાનજી દાદાનું એક એવું મંદિર આવેલું કે જ્યાં હનુમાનજીની મૂર્તિની રાત્રે સ્થાપના કરવામાં આવી હતી અને તેના કારણે હનુમાનજી દાદાને અપાયું “રાતીયા હનુમાનજી” નામ. આજે આ વિસ્તારમાં રાતીયા હનુમાનજીનું મંદિર ખૂબ જ પ્રસિદ્ધ છે.
શહેરમાં આમ તો સાત હનુમાન, સૂતા હનુમાન, ચમત્કારિક હનુમાન સહિત હનુમાનજી દાદાના અસંખ્ય મંદિર આવેલા છે. જેના ઇતિહાસ પણ રોચક અને રસપ્રદ છે. આમ્રપાલી ટોકીઝ વાળી શેરીમાં આવેલા સુભાષનગર ચોકના ખૂણા પર રાતીયા હનુમાનજી અને શંખેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. જેનો ઇતિહાસ પણ ઘણો રસપ્રદ છે. વર્ષ 1991માં આ મંદિર બનાવવામાં આવ્યું હતું. તે સમયે આ વિસ્તારમાં મંદિર ન હોવાથી સુભાષનગર, ધ્રુવ નગર અને નહેરુનગર સોસાયટીના લોકોએ મંદિર બનાવવાનો નિર્ણય કર્યો હતો. આ વિસ્તારના લોકોએ જ ફાળો એકઠો કરીને મંદિર બંધાવ્યું હતું. પ્રથમ રાતીયા હનુમાનજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. મંદિરના ઇતિહાસ વિષે અજુબેન ધોળકિયાએ જણાવ્યું હતું કે, સોસાયટીના લોકોને મંદિર બનાવવાનો વિચાર આવ્યો હતો. જેથી આસપાસના વિસ્તારમાં રહેતા લોકો મંદિરમા ભગવાનના દર્શનાર્થે આવી શકે અને ધાર્મિક ઉત્સવો ઉજવી શકે.
આ વિસ્તાર મંદિર બન્યું તે પહેલા એક સત્સંગ મંડળ ચાલતું હતું. જેમાં સત્સંગ કરતી મહિલાઓએ મંદિર બનાવવા માટે ફાળો એકઠો કરવાની શરૂઆત કરી હતી. આ ફાળામાંથી સુભાષનગર ચોકના ખૂણા પર આવેલા કોમન પ્લોટમાં બનેલા મંદિરમાં સૌ પ્રથમ રાતીયા હનુમાનજી દાદાનું મંદિર બનાવવામાં આવ્યું. જેની પ્રાણ પ્રતિષ્ઠા મોરારી બાપુ દ્વારા કરવામાં આવી હતી. રાતીયા હનુમાનજી નામ કઈ રીતે પડ્યું? તેના વિષે જણાવતા “વોઇસ ઓફ ડે” સાથેની વાતચીતમાં અજુબેનએ જણાવ્યું હતું કે, મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમયે મોરારી બાપુ રાજકોટ આવ્યા હતા. તેમના હસ્તે હનુમાનજી દાદાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરાવવાની હતી. મોરારી બાપુ રાતના 12 વાગ્યા આસપાસ મંદિરે પહોંચ્યા હતા અને રાત્રે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. રાત્રિના સમયે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હોય રાતીયા હનુમાનજી નામ આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત મંદિરના પટાંગણમાં શંખેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે. જેની પ્રાણ પ્રતિષ્ઠા દ્વારકાના શંકરાચાર્ય સ્વરૂપાનંદજીના હસ્તે કરવામાં આવી હતી. શંખેશ્વર મહાદેવ મંદિર વિષે એવું કહેવાય છે કે, જ્યારે મંદિરની છત ભરવામાં આવતી હતી ત્યારે તે છત પડી જતી હતી. કોઈ એક વ્યક્તિ મંદિરની છત બનાવવા માટે દાન આપે તો સવારે ભરવામાં આવતી છત સાંજે તૂટી પડતી હતી. બાદમાં વ્યક્તિગત દાન લેવાના બદલે પંચના રૂપિયાથી આ છત ભરવામાં આવી તો તે પડી નહી. આમ લોકો માટે બનેલું આ મંદિર લોકોના રૂપિયાથી જ બન્યું. અહી મહાદેવજીને શ્રદ્ધાળુઓ લીલા નારિયેળ ધરાવે છે.
આજે મંદિરમાં લોકોને એટલી શ્રદ્ધા છે કે દરરોજ આ વિસ્તાર ઉપરાંત શહેરભરમાંથી શ્રદ્ધાળુઓ અહી દર્શન કરવા માટે આવે છે. મંદિરના સંચાલન માટે શંખેશ્વર મહાદેવ સાઈધામ સેવા સમિતિ બનાવવામાં આવી છે. જેમાં રાજુભાઇ કોયાણી, રમાબેન હેરભા, ધર્મેન્દ્રભાઈ મીરાણી, અજુબેન ધોળકિયા, ધૂળાભાઈ ધોળકિયા સહિતના સભ્યો સેવા આપે છે અને મંદિરમાં તમામ ધાર્મિક ઉત્સવોનું ધામધૂમ પૂર્વક આયોજન કરવામાં આવે છે. જ્યારે મંદિર બન્યું ત્યારથી જ આ મંદિરમાં પૂજારી તરીકે રાજસ્થાનના મહેશભાઇ આચાર્ય પુજા-સેવા કરે છે.
મંદિરના પટાંગણમાં મહાદેવજી, હનુમાનજી સહિત ખોડિયાર માતાજી, સંતોષી માતાજી, રાંદલ માતાજી, અંબાજી માતાજી, ગાયત્રી માતાજીનું પણ મંદિર આવેલું છે. જ્યારે મંદિરમાં દર પૂનમના દિવસે સત્યનારાયણની કથા પણ કરવામાં આવે છે. જેના માટે મૂળ રાજકોટ અને હાલમાં ઓસ્ટ્રેલીયા રહેતા પરિવાર દ્વારા સહયોગ આપવામાં આવે છે. ઉપરાંત પૂનમ અને અગિયારસ નિમિત્તે ફરાળનું પણ આયોજન કરવામાં આવે છે. તો વળી પરષોતમ મહિનામાં વિશેષ આયોજનો કરવામાં આવે છે.
સાઈબાબા મંદિરે ચાલીને આવે છે ભક્તો
રાતીયા હનુમાનજી મંદિર પરિસરમાં સાઈબાબાનું પણ મંદિર આવેલું છે. સાઈબાબા પર શ્રદ્ધા રાખતા અનેક લોકો દર ગુરુવારે શહેરના જુદા-જુદા વિસ્તારોમાંથી ચાલીને પણ દર્શન કરવા આવે છે. ગુરુવારે આવતા ભક્તો માટે વઘારેલા ચણા અને સાંજે ખીચડીનો પ્રસાદ આપવામાં આવે છે.