વાંકાનેરના કેરાળા ગામે આવેલું છે 265 વર્ષ જૂનું નકલંકધામ મંદિર
રાણીમાં-રુડીમાંએ આ સ્થળે કરી હતી ભક્તિ સાથે સેવા: અષાઢી બીજે થાય છે ભજન-ભક્તિના કાર્યક્રમોનું આયોજન: આજે પણ કાષ્ટ સ્તંભ પર ફરકે છે ધર્મની ધજા

મોરબી જિલ્લાના વાંકાનેર નજીક કેરાળા ગામે નકલંકધામ મંદિર આવેલું છે. વર્ષો જૂનું આ મંદિર આસપાસના શ્રદ્ધાળુઓ માટે આસ્થાના કેન્દ્ર સમાન છે. અહી શ્રી રાણીમાં, રુડીમાંના ઠાકરનું ભવ્ય મંદિર આવેલું છે. આ કલાત્મક મંદિર 50 ફૂટ લાંબુ, 40 ફૂટ પહોળું છે. જ્યારે અહી રાણીમાં-રુડીમાંનું પણ મંદિર આવેલું છે. દર અષાઢી બીજે અહી મેળા જેવુ વાતાવરણ સર્જાય છે. આ મંદિર 265 વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે.

સૌરાષ્ટ્રના તીર્થધામમાં કેરાળા નકલંકધામ આજે શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું સ્થાન બન્યું છે. જાણવા મળતી મહિતી મુજબ વર્ષો પહેલા આ મંદિરના જીર્ણોદ્ધારનો પાયો દાદુભગતે વર્ષ 1992માં નાખ્યો હતો. તેમના અવસાન બાદ ભવાન ભગતે 2002માં હાલના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કર્યું હતું. આ ત્રી-દિવસીય શ્રી નકલંક મંદિર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 51 કુંડી વિષ્ણુ મહાયજ્ઞ યોજાયો હતો. મંદિરની બાજુમાં જ બવાન ગજનો કાષ્ટનો સ્તંભ ઉભો કરવામાં આવ્યો છે. જ્યાં આજે પણ ધર્મની ધજા ફરકે છે.

મંદિરની સેવા-પૂજા કરતાં અહીંયા લઘુ મહંત દિશાંત ભગતે જણાવ્યું હતું કે, આ ગેબીનાથના 19 પંજાની એક જગ્યા અને પાંચાળભૂમિના પીરાણાની જગ્યા કહેવાય છે. દર વર્ષે અષાઢી બીજે અહી ભોજન, ભજન અને સંતવાણીના કાર્યક્રમો થાય છે. જેમાં મોટી સંખ્યામાં લોકો આવે છે. લૂણસરિયામાં જન્મેલા રાણીમાં-રુડીમાં નાનપણથી જ ભગવાનની ભક્તિ કરતાં હતા. હાલ જે જગ્યા છે ત્યા પહેલા ખાખી સાધુના ધૂણા હતા. અહી બંને બહેનોએ ખૂબ સેવા કરી હતી. તેઓ જ્યારે રાજકોટ આવ્યા ત્યારે તે સમયના રાજાએ રાણીમાં રુડીમાંને તેમના રાજમાંથી જવાની ના કહી અને કહ્યું કે, હું તમને મંદિર બનાવી આપું અને ગાયુના ચારા માટે જમીન પણ આપું. આજે પણ રાજકોટમાં આ મંદિર આવેલું છે.

કેરાળા ગામના પાદરમાંથી મચ્છુ નદી વહે છે. જ્યાં બાજુમાં રાણીમાં-રુડીમાંનું મંદિર છે. ઇતિહાસ પ્રમાણે લૂણસરિયા ગામે રતના ભગત અને વીરા ભગત બંને ભાઈઓ ધર્મ વત્સલ્ય અને ભક્તિસભર જીવન જીવી રહ્યા હતા. રતના ભગતને સંતાનમાં 1742માં રૂડીમાંનો જન્મ થયો જ્યારે 1744માં રાણીમાંનો જન્મ થયો. તેઓ મચ્છુ નદીના કિનારે ગાયો ચરાવતા અને કાળમીંઢ પથ્થરો વચ્ચે કાળિયા ઠાકોરની ભક્તિ કરતાં હતા. એક દિવસ વાંકાનેરના રાજા સાથે કોઈ વિવાદ થતાં રાણીમાં-રુડીમાં પોતાના ઠાકોરજીને સાથે લઈ રાજકોટ પહોંચ્યા અને ત્યાં વિસામો લે છે. આજે પણ રાજકોટમાં વિસામો આવેલો છે અને રાણીમાં-રુડીમાં વિસામાં તરીકે મંદિર ખૂબ જ જાણીતું છે.

અહી મંદિરમાં ચાંદીના સિંહાસનમાં બિરાજતા શ્રીરામ, લક્ષ્મણ, જાનકી, કૌશલ્યાજી, ઊર્મિલાજી, શાલિગ્રામ અને નકલંક ભગવાનના ઘોડાની નિત્ય સૂર્યોદય અને સાંજે સંગીતના તાલે આરતી થાય છે. જ્યારે કલાત્મક કાચના ટુકડાઓથી મંદિરના ગુંબજમાં ઠાકરોજીની ડિઝાઇન મનમોહક છે. અહી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. મંદિરમાં પ્રવેશતા જ આધ્યાત્મિક શાંતિનો લોકોને અનુભવ થાય છે. શિખરબધ્ધ મંદિર કલાત્મકતાથી પણ ભરપૂર છે.
તીર્થધામ બન્યું છે આજે આ મંદિર
કેરાળા ગામે આવેલા નકલંકધામ મંદિરનો ધીમે ધીમે વિકાસ થયો અને આજે અહી મંદિર ઉપરાંત ભવ્ય ભોજનશાળા પણ બનાવવામાં આવી છે. અહી રાણીમાં રુડીમાંના ઠાકર બિરાજતા હોય અહી ભોજન તેમજ ભજનને આવકાર આપે છે. મંદિરના વિકાસ સાથે ભોજનશાળા પણ બનાવવામાં આવી છે. જ્યારે અષાઢી બીજ નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમો ઉજવવામાં આવે છે.