હર હર મહાદેવ…..ભાદર-મોજ નદી વચ્ચે કુદરતી સાંનિધ્યમાં બીરાજમાન પંચેશ્વર મહાદેવ
- પાંચ પથ્થરોમાંથી સ્વયંભુ પ્રગટ થયેલા મહાદેવ
- મહાદેવના મંદિરે મનોકામના સાથે આવેલા ભક્તો ક્યારેય નિરાશ થઈને જતા નથી
સ્વયંભુ પંચેશ્વર મહાદેવ જ્યાં મંદિરમાં એકસાથે 5 શિવલિંગના દર્શન થાય
હર હર મહાદેવ…આજે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર છે. આજે શિવાલય યાત્રા પહોંચી છે રાજકોટ જીલ્લાના ઉપલેટામાં જ્યાં પંચેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. અહીં મોજ નદીના કિનારે પંચેશ્વર મહાદેવ બિરાજે છે. આ પૌરાણિક મંદિર ઉપલેટા અને આઠફળીની વચ્ચે જ્યાં એક બાજુ ભાદર નદી અને એક બાજુ મોજ નદી છે અને વચ્ચે મહાદેવનું મંદિર આવેલું છે. હરિયાળી વચ્ચે આવેલા આ મંદિરે પહોંચીને અત્યંત શાંતિનો અનુભવ થાય છે તો મહાદેવના દર્શન કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે.
આપણે કોઈ પણ મહાદેવના મંદિરે જાય ત્યારે ત્યાં એક શિવલિંગના દર્શન કરીએ છીએ ત્યારે કુદરતના સાનીન્ધ્યમાં આવેલું સ્વયંભુ પંચેશ્વર મહાદેવ જ્યાં મંદિરમાં એકસાથે 5 શિવલિંગના દર્શન થાય છે જેમાં એક વચ્ચે અને ૪ આજુબાજુ આવેલા છે. ઘટાદાર વૃક્ષો અને મોજ નદીનો કિનારો આ સ્થળને અત્યંત રમણીય અને મનમોહક બનાવી દે છે અને તેમાં પણ ખાસ કરીને ચોમાસાની સિઝનમાં લીલીછમ હરિયાળીથી આ જગ્યા વધુ આહ્લાદક બની જાય છે. હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે અહી મોટી સંખ્યામાં ભક્તો મહાદેવના દર્શન કરવા માટે ઉમટી પડે છે અને પૂજા-અર્ચના તેમજ બિલ્વપત્ર અને દૂધ ચડાવી ધન્યતા અનુભવે છે.
પંચેશ્વર મહાદેવ મંદિરનો ઈતિહાસ
મહાદેવના દરેક મંદિર સાથે તેની એક કથા જોડાયેલી હોય છે તેના રહસ્યો જોડાયેલા હોય છે ત્યારે પંચેશ્વર મહાદેવની વાત કરીએ તો પંચેશ્વર મહાદેવનું મંદિર એક પૌરાણિક સ્વયંભુ મંદિર છે જેની સ્થાપના વડવાઓ દ્વારા કરવામાં આવી છે. સ્થાનિકના જણાવ્યા અનુસાર વડીલોના વડીલો પાંચ પથ્થરથી (હાલ જે શિવલિંગ બિરાજમાન છે તે) રમતા. અને રમી લીધા બાદ એ પાંચ પથ્થર ફરી ભાદર નદીમાં મૂકી આવતા. ત્યારે બીજા દિવસે સવારે આવીને જોતા એજ પથ્થરો મહાદેવ હાલ જ્યાં બિરાજમાન છે તે સ્થળે ગોઠવાઈ જતા.આ સમયે વડીલો પણ નાના હતા અને બાળપણમાં આ વાતને ધ્યાન આપ્યું નહોતું. ત્યારબાદ જયારે તેઓ મોટા થયા અને આશ્ચર્ય થયું કે આટલા વર્ષો બાદ પણ આ પથ્થરો એ જ અવસ્થામાં ગોઠવાય જાય છે ત્યારે સ્વયંભુ મહાદેવની પૂજા કરવાની શરુ કરવામાં આવી.
મહાદેવના મંદિરની સામે આવેલો છે અખંડ ધૂણો : અમિતભાઈ ચંદ્રવાડિયા (સ્થાનિક)
પંચેશ્વર મહાદેવના મંદિરની સામે અખંડ ધૂણો આવેલો છે જ્યાં ભક્તો દ્વારા મહાદેવના અખંડ પૂજા-પાઠ, અભિષેક, હવન કરવામાં આવે છે. ઉપલેટા ગામે આવેલા આ મંદિર સાથે ભક્તોની લાગણી જોડાયેલી છે. આ એક જ મંદિર એવું છે જે મોજ નદી અને ભાદર નદીની વચ્ચે કુદરતી સનીન્ધ્યમાં આવેલું છે. અહીં દર્શને આવેલા ભક્તો કે કોઈ મનોકામના સાથે આવેલા ભક્તો ક્યારેય નિરાશ થઈને જતા નથી. અહીં ભક્તોની બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય છે. શ્રાવણ માસ નિમિતે તેમજ મહાશિવરાત્રી નિમિતે અહીં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે.